પંજાબમાં ઓવરસ્પીડમાં પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં ફંગોળાઈઃ ચારના મોત
દિલ્હીઃ પંજાબના ખરાડમાં પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરનારા બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. એટલું જ નહીં આ બંને વ્યક્તિઓ 25 ફુટ દૂર જઈને પટકાયાં હતા. આ પછી સ્પીડમાં આવતી કાર સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ અને લગભગ 10 ફૂટ હવામાં ઉછળીને રોડ પર પડી હતા. આ ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ દુર્ઘટનામાં ચારના મોત થયા હોવાનું જાણવા મળે છે. ખરડ-લુધિયાણા હાઇવે પર માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં બે રાહદારીઓ અને બે કાર સવારોનો સમાવેશ થાય છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના ચકચાર જગાવનારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓવરસ્પીડમાં મોટરકાર ખરડથી લુધિયાણા તરફ જઈ રહી હતી. કાર યુનિવર્સિટી પાસેથી પસાર થતી હતી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. કાર હાઇવેની વચ્ચોવચ આવેલી સ્ટ્રીટ લાઇટનો પોલ તોડી ડિવાઇડર પર ચઢી હતી. લગભગ 12 વખત પલટી મારતી વખતે તે દૂર જઈને પડી હતી. કાર ફૂટ ઓવર બ્રિજ સાથે પણ અથડાઈ હતી. હાઈવે ક્રોસ કરવા માટે ડિવાઈડર વચ્ચે ઉભેલા સુરિન્દર સિંહ છીંડા અને જમીલ ખાનએ બેકાબૂ કાર જોઈ હતી. તેમજ બચવા માટે પાછળ પણ હટ્યાં હતા. જો કે, ઓવરસ્પીડમાં આવતી મોટરકારે બંનેને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં બંનેના ઘટના સ્થળ પર જ મોત થયાં હતા. આ ઉપરાંત કારમાં સવાર બે વ્યક્તિઓના પણ કરૂણ મોત થયાં હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેમજ કેમેરાના ફુટેજ સામે આવ્યાં છે.
સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે જ્યાં અકસ્માત થયો ત્યાં એક યુવક રોડની બાજુમાં બાઇક લઈને ઉભો છે. ડિવાઈડર તોડી બંને યુવકોને અડફેટે લીધા હતા. આ બનાવને પગલે લોકો સ્થળ પર દોડી ગયા હતા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ મોકલી આપવાની કવાયત શરૂ કરી હતી. કારમાં પાંચ યુવકો સવાર હતા. કાર ચાલક સંજીત કુમાર ઉપરાંત વિક્રમજીત, રાહુલ યાદવ અને અંકુશને પણ ઈજા થઈ હતી. જેમાંથી સંજીતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિક્રમજીતને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
ઓટો ચાલક હરબંસ સિંહે જણાવ્યું કે, ફ્લાયઓવર બ્રિજ ઉપરથી ઝડપભેર આવી રહેલી કાર બ્રિજ પરથી સર્વિસ રોડ તરફ વળાંક લેતી વખતે હાઇવે પર બેકાબૂ બની ગઈ હતી. ત્યારે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ દરમિયાન સુરિન્દર સિંહ અને જમીલ ખાન પણ અડફેટે લીધા હતા. બંને ઓટો ચલાવતા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત દરમિયાન કાર હવામાં લગભગ 10 ફૂટ ઉછળીને સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી.