અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા હાઈવે પર બે મોટરકાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. અમદાવાદનો પરિવાર દ્વારકાથી પરત જઈ રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ખંભાળિયા હાઈવે પર ચરકલા નજીક સર્જાયેલા આ અકસ્માતમાં એક બાળકને ગંભીર ઈજા થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદનો રાજપુર પરિવાર મોટરકારમાં દ્વારકા ગયો હતો. જ્યાંથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. તેમની મોટરકાર ખંભાળિયાના ચરકલા નજીકથી પસાર થતી હતી ત્યારે અન્ય કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ભૂમિબેન, રોનકભાઈ, પૂજાબેન તથા મધુબેન નામના વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં બેઠેલા 12 વર્ષના રૂદ્ર નામના બાળકનો બચાવ થયો હતો. અકસ્માતમાં ઘવાયેલા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. આ દૂર્ઘટનામાં રોનક વિજયભાઈ રાજપુત (ઉ.વ.32), પૂજા રોનકભાઈ રાજપુત (ઉ.વ.30), મધુબેન વિજયભાઈ રાજપુત (ઉ.વ.55) અને ભૂમિ જયેશભાઈ ચૌધરી (ઉ.વ.36)ના મોત થયાં હતા. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. અકસ્માતને પગલે એક મોટરકાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.