મહુવાના સેંદરડા ગામે રોઝકી ડેમમાં ડૂબતા યુવાનને બચાવવા જતાં માતા,બહેન સહિત ચાર ડુબ્યાં
ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામમાં અકસ્માતે એક યુવક રોઝકી ડેમમાં પડી ગયો હતો. જેને બચાવવા જતાં યુવાનની માતા, બહેન અને ભાભી પણ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જેને લઈ એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજતા સેંદરડા ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે રહેતા અને ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા એક પરિવારની મહિલાઓ બપોરના સુમારે ગામની સીમમાં આવેલા રોઝકી ડેમ ખાતે કપડાં ધોવા માટે ગઈ હતી. જેમાં મંગુબેન આણંદભાઈ બારૈયા (ઉ.વ.50,) કાજલબેન પ્રદિપભાઈ બારૈયા (ઉ.વ.21,) દક્ષાબેન મનુ ઉર્ફે મુન્નાભાઈ શિયાળ (ઉ.વ.22) તેમજ મહિલાઓની સાથે 21 વર્ષિય યુવક નિકુલ આણંદભાઈ બારૈયા પણ ડેમ ખાતે હાજર હતો. દરમિયાન નિકુલ ડેમના પાળે આંટા મારી રહ્યો હતો, ત્યારે અકસ્માતે તેનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી કપડાં ધોઈ રહેલી તેની માતા મંગુબેને પુત્રને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં એ પણ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતાં પુત્રવધૂ કાજલબેન પણ સાસુ અને દિયરને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જોકે, આ ત્રણેય પૈકી એક પણ વ્યક્તિને તરતા આવડતું ન હોય આથી ત્રણેય લોકો ડૂબવા લાગ્યા હતા. આ જોઈ કાંઠે ઉભેલી દક્ષાબેને પણ આ ત્રણેય વ્યક્તિઓને બચાવવા જતાં એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને ગામમાં જાણ કરતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. મોટા ખુંટવડા પોલીસ તથા મહુવા ફાયરબ્રિગેડને અને મામલતદારને જાણ કરતાં સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એક જ પરિવારના પુત્ર, માતા, બહેન અને ભાભીની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ગોઝારી ઘટનાને પગલે સેદરડા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર બનાવ અંગે મોટા ખુંટવડા પોલીસે તપાસ હાથ ધરી છે.