વડોદરાઃ હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકોને લૂંટતી ગેન્ગના ચાર સાગરિતોને પોલીસે દબોચી લીધા છે. શહેરના દુમાડથી કરજણ હાઈવે પર જવાના રોડ પર એક લૂંટારુ ટોળકી છેલ્લાં કેટલાંક સમયથી સક્રિય થઈ હતી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી પણ અનોખી હતી. આ ગેંગના સાગરીતો સ્ત્રીનો વેશ ધારણ કરીને ઝાડી-ઝાંખરાઓમાં છૂપાઈને બેસતા હતા. બાદમાં હાઈવે પરથી પસાર થઈ રહેલાં ટ્રક ચાલકોને ટોર્ચ મારીને પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરતા હતા. જ્યારે ટ્રક ડ્રાઈવરો કે અન્ય રાહદારીઓ ટોર્ચ જોઈને પાસે આવે ત્યારે આ ગેંગના સાગરિતો તેમના મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી લેતા હતા. એક મોબાઈલની લૂંટ આ ગેંગ દ્વારા ચલાવવામાં આવી હતી. ત્યાર બાદ આ શખસે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરીને ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના સમાના અમરનગર ખાતે રહેતો શખસ ગઈ 7 જૂનના રોજ સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં સમા કેનાલ પાસથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે આ શખસ પોતાના મોબાઈલમાં ભજન સાંભળી રહ્યો હતો. આ દરમિયાન એક્ટિવા પર સવાર બે શખસો તેમની પાસે આવ્યા હતા અને મોબાઈલની ચીલઝડપ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પીડિતે લૂંટારૂઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યો હતો. ત્યાર બાદ પીડિતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને એવી પણ માહિતી મળી કે વડોદરાની આસપાસમાં આવેલા હાઈવે પર એક ગેંગ સક્રિય છે. જે રાત્રીના સમયે મહિલાનો વેશ ધારણ કરીને ત્યાંથી પસાર થતા રાહદારીઓ કે વાહન ચાલકોને લૂંટી લે છે. આ ગેંગના સાગરીતો મહિલાનો વેશ ધારણ કરીને આસપાસના ઝાડી-ઝાંખરામાં છૂપાઈને બેસતા હતા. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી હતી. આ દરમિયાન વાહન ચાલકો પાસેથી લૂંટેલા મોબાઈલ ફોન વેચવા ફરતા ચાર શખસો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પોલીસે ઝડપેલા ચારેય આરોપીઓમાં મૂળ દાહોદનો મહેશ ઉર્ફે ગટ્ટી સોમાભાઈ વણઝારા, ફરદીન ઉર્ફે સોનુ અફઝલ અહેમદ અન્સારી, મહેશ રુપા મુનિયા અને મૂળ છોટાઉદેપુરનો વિપુલ દિપક રાઠવાનો સમાવેશ છે. એટલું જ નહીં પોલીસે આ ગેંગના ચારેય સાગરીતો પાસેથી 13 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી મહેશ ઉર્ફે ગટ્ટી વિરુદ્ધ અમદાવાદ પણ લૂંટના ગુના નોંધાયેલા છે.પોલીસે ચારેય આરોપીની કડક પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે પોલીસ સમક્ષ ગેંગના ચારેય સાગરીતોએ કબૂલ્યું કે, આરોપીઓ રાત્રીના સમયે આ લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. તેઓ હાઈવે પર રાત્રીના સમયે ઉભા રહેતા હતા. જેમાંથી ગેંગનો એક સાગરીત મહિલાના વેશમાં ઝાડી-ઝાખરામાં સંતાઈ રહેતો હતો. બાદમાં હાઈવે પરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરો કે વાહન ચાલકોને ટોર્ચ બતાવીને ઊભા રાખતા હતા. જ્યારે વાહન ચાલકો કે ટ્રક ડ્રાઈવર નીચે ઉતરે ત્યારે આરોપીઓ તેમનો મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી લેતા હતા. આ સિવાય ત્યાંથી મોબઈલ પર વાત કરતા પસાર થતા રાહદારીઓ પાસેથી પણ મોબાઈલની લૂંટ ચલાવતા હતા. આ ગેંગે ભૂતકાળમાં કેટલાં લોકોને પોતાના શિકાર બનાવ્યા છે એ જાણવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે.