- બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદના 20 ગામોને એલર્ટ કરાયા,
- ડેમ છલોછલ ભરાતા આહલાદક દ્રશ્યો સર્જાયા,
બોટાદઃ ગુજરાતમાં વરસાદને લીધે મોટા ભાગના જળાશયો છલકાયા છે. જેમાં સુખભાદર ડેમ પણ છલકાયો છે. સુખભાદર ડેમમાં 90% કરતાં વધારે પાણીની આવક થતાં ડેમના ચાર દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતાં ડેમના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.
બોટાદ જિલ્લામાં સીઝનનો 79.83 ટકા વરસાદ પડ્યો છે. વરસાદને કારણે જિલ્લાના તમામ ડેમો છલકાયા છે. જેમાં સુખભાદર ડેમ ઓવરફ્લો થતાં ડેમના ચાર દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા છે.સુખભાદર ડેમમાં બુધવારે 90% કરતાં વધારે પાણીની આવક થઈ હતી. જે ગુરૂવારે સવારના ડેમ ઓવરફ્લો થતાં ડેમના ચાર દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતાં બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના નીચાણવાળાં 20 ગામોને એલર્ટ કરાયાં છે. સુખભાદર ડેમના ઉપરવાસનાં ગામોમાં સારો વરસાદ પડતાં ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ત્યારે સુખભાદર ડેમ નીચેના બોટાદ, સુરેન્દ્રનગર,અમદાવાદ જિલ્લાના કુલ 20 ગામોને એલર્ટ કરાયાં છે. જેમાં બોટાદ જિલ્લાના નાના ભડલા, લિબોડા, દેરડી, દેવળિયા, સાંગણપુર, ગધાળિયા, હાસલપુર, કિનારા, પાટણા, રાણપુરને એલર્ટ કરાયાં છે. અમદાવાદ જિલ્લાના અડવાળ, ધંધૂકા, ગલસાણા, ગુંજર, જાળીલા, મોરસિયા, વાગડ, વાસણા ગામોને એલર્ટ કરાયાં છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભડલા અને ચોરવીરા ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર ન કરવાની સુચવા આપવામાં આવી છે.