- કેનેડામાંથી થી જવું હતું અમેરિકા
- ઠંડુ વાતાવરણ પડી ગયું ભારે
- ચાર ભારતીયોના ગયા જીવ
દિલ્હી: વિશ્વમાં લાખોની સંખ્યામાં એવા લોકો છે જે લોકોને અમેરિકામાં ઘુસવું છે અને તે પણ ગેરકાયદેસર રીતે. આવામાં એક એવા સમાચાર આવ્યા છે જેનાથી તમામ લોકોએ શીખ લેવી જોઈએ. વાત એવી છે કે અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ભારતના એક પરિવારના ચાર સભ્યોનાં મોત થયા હતા. આ પરિવારનું અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં મોત થયું હતું. મૃતકોમાં એક નવજાત બાળકનો પણ સમાવેશ થાય છે.
મેનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેઈન પોલીસે જણાવ્યું હતું કે એમર્સન નજીક કેનેડા-અમેરિકાની સરહદે કેનેડાની હદમાં ચાર મૃતદેહો મળ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન પતિ-પત્ની, એક કિશોર અને એક નવજાત બાળના મોત થયાનું જણાયું હતું.
કેનેડાના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ભારતીય પરિવાર સંભવતઃ અમેરિકાની સરહદમાં માનવ તસ્કરી કરાવતા સમુહના સંપર્કમાં હતો. કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ સંપર્ક કે મદદ ન મળવાથી તેમણે સરહદે જ દમ તોડી દીધો હતો. અમેરિકાની સરહદથી સાવ નજીક 9થી 12 મીટરની દૂરી પર આ મૃતદેહો મળી આવ્યા હતા. ખૂબ અંધારું હોવાથી આ પરિવાર ગ્રુપથી પાછળ રહી ગયા હોવાની શક્યતા છે. રસ્તો ભટકી જવાથી તેઓ આગળ વધી શક્યા નહીં હોય એવી પણ ધારણાં વ્યક્ત થઈ છે.
કેનેડાની પોલીસે અમેરિકન બોર્ડર પોલીસને જાણકારી આપી હતી. એ પછી અમેરિકન પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમાં માનવ તસ્કરીમાં સંડોવાયેલો 47 વર્ષનો એક આરોપી ઝડપાયો છે.