અમદાવાદઃ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા, જ્યારે 11 વ્યક્તિઓને ઈજા થઈ હતી. રોડની સાઈડમાં ઉભેલી એક બસ સાથે ખાનગી લકઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ-ગોધરા હાઈવે પર રોડની સાઈડમાં બંધ હાલતમાં બસ ઉભી હતી. આ બસમાં ખામી સર્જાઈ હતી. આ બસ ઈન્દોર તરફ જઈ રહી હતી, વહેલી સવારે 3.30 કલાકે આ બસનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. દરમિયાન પૂરઝડપે આવેલા અન્ય લકઝરી બસ રોડની સાઈડમાં બંધ હાલતમાં ઉભેલી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં બે બાળકો અને એક મહિલા સહિત ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. આ અકસ્માતને પગલે અન્ય વાહન ચાલકો દોડી આવ્યાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં ઘવાયેલા પ્રવાસીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમજ મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત શરુ કરવામાં આવી હતી.
ગોધરાના એસડીએમએ જણાવ્યું હતું કે, લકઝરી બસના ચાલકે રોડની સાઈડમાં ઉભેલી બસ દેખાઈ ન હતી. જેથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘવાયેલા 9 ઈજાગ્રસ્તોને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને વડોદરા ખસેડવામાં આવ્યાં હતા.