ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના નાગદામાં કાર અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણને ઈજા થઈ હતી. તમામ મૃતકો ઈન્દોરના રહેવાસી હતા. તેઓ અજમેરથી યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત જાવરા-નાગડા રોડ પર બેદવણ્યા ગામ પાસે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. ડ્રાઇવિંગ સીટ પર ફસાયેલી લાશને કાઢવા માટે કારને કાપવી પડી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતની આ ઘટનામાં કાર સવાર સમીર ખાન, અબ્દુલ, ઈમરાન, નૂર અને આશિક મન્સૂરીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઝુબેર, સમીર અને ઓબામા નામની વ્યક્તિને ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. કારમાં સવાર લોકો 23 ઓક્ટોબરે ઈન્દોરથી અજમેર જવા નીકળ્યા હતા. શુક્રવારે સવારે ઘરે પરત ફરતી વખતે વાહનની ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો હતો. કારમાં આઠ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યાં હતા.
આ માર્ગ અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતમાં ઘાયલ ત્રણ લોકોને એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર લોકોના મૃતદેહને કારમાંથી બહાર કાઢવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.