ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વાવ-સુઈગામ રોડ પર તેમજ ગાંધીનગર આદિવાડા ચાર રસ્તા નજીક ટ્રક અને બાઈકના સર્જાયેલા જુદા જુદા બે અકસ્માતોમાં ચારના મોત નિપજ્યા હતા. જેમાં વાવ- સુઈગામ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સબ્એ જીવ ગુમાવ્યા હતા. જ્યારે આદિવાડા નજીક સર્જાયેલા અકસ્માતમાં 21 વર્ષીય યુવાન મોતને ભેટ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી પ્રથમ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનાના ભરડવા ગામના 35 વર્ષીય વિપુલભાઈ ધુડાભાઈ પરમાર એમના ભાભી જખનાબેન કિરણભાઈ પરમાર અને ત્રણ વર્ષીય ભત્રીજા જયદીપ કિરણભાઈ પરમાર સાથે બાઇક લઇને વાવ-સુઇગામ રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ત્રણેય લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે ખસેડ્યા હતા. જ્યારે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના બીજો બનાવની વિગતો એવી જાણવા મળી છે, કે. ગાંધીનગરના આદીવાડા ચાર રસ્તા પાસે આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર યુવાન રોડ પર પટકાયો હતો. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા સેકટર – 21 પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગરના જલુંદ ગામમાં રહેતો 24 વર્ષીય સુનીલ વાઘેલા પેથાપુર ખાતે પ્રાઈવેટ નોકરી કરતો હતો. જેનાં પરિવારમાં પત્ની અને એક સંતાન છે. મંગળવારે બપોરના સમયે સુનીલ તેની પત્નીને મળવા મળવા માટે સાસરી આદીવાડા જવા માટે એક્ટિવા લઈને નિકળ્યો હતો. ત્યારે આદીવાડા ચાર રસ્તા નજીક આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ટક્કર મારી હતી. જેનાં કારણે સુનીલ એક્ટિવા પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં સુનીલનું પેટની નીચેના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં સેકટર – 21 પોલીસ ઘટના સ્થળે પર દોડી ગઈ હતી. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડી હતી.