આસામમાં પૂરની તબાહી,ચાર લાખ લોકો પ્રભાવિત,અત્યાર સુધીમાં 8 લોકોના મોત
- આસામમાં પૂરની તબાહી
- ચાર લાખ લોકો પ્રભાવિત
- અત્યાર સુધીમાં 8 લોકોના મોત
દિસપુર :આસામના વિસ્તારોમાં પૂરના પાણીને કારણે રાજ્યમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ચાર લાખ થઈ ગઈ છે અને વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતોમાં વધુ ત્રણ લોકોના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે.ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આસામની બરાક વેલી અને દિમા હસાઓ જિલ્લા સહીત પડોશી રાજ્યો ત્રિપુરા, મિઝોરમ અને મણિપુરના ભાગો સાથે રોડ અને રેલ સંપર્ક મંગળવારે તૂટી ગયો હતો.આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાએ રોડ અને રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, સોમવાર સુધીમાં 20 જિલ્લાઓમાં 1,97,248 લોકો પૂરથી પ્રભાવિત થયા હતા અને હવે આ સંખ્યામાં વધારો થયો છે.26 જિલ્લાઓમાં 4,03,352 લોકો પૂરથી પ્રભાવિત થયા છે.આ ઉપરાંત મૃત્યુઆંક પણ વધીને આઠ થઈ ગયો છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આસામને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
આસામના દિમા હસાઓ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે અનેક સ્થળોએ રોડ અને રેલ સંપર્ક ખોરવાયો છે.મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં ભૂસ્ખલનથી દક્ષિણ આસામની બરાક ખીણ અને ત્રણ ઉત્તરપૂર્વીય રાજ્યોના મહત્વના ભાગો સાથેનો માર્ગ સંપર્ક વિક્ષેપિત થયો હતો. પૂર્વ જયંતિયા હિલ્સ પોલીસે તેના અધિકારક્ષેત્રમાં તાજા ભૂસ્ખલન અંગે ચેતવણી આપી છે. આસામ પોલીસના વિશેષ મહાનિર્દેશક જીપી સિંહે લોકોને જ્યાં સુધી જામ સાફ ન થાય ત્યાં સુધી રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળવા જણાવ્યું છે.