Site icon Revoi.in

મણિપુરમાં શસ્ત્રો અને દારૂગોળા સાથે ચાર ઉગ્રવાદીઓની ધરપકડ

Social Share

ઇમ્ફાલઃ મણિપુરમાં અલગ-અલગ ઓપરેશનમાં વિવિધ સંગઠનો સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન, પોલીસ દળોએ નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (ઇસાક મુઇવાહ) અને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના એક-એક ઉગ્રવાદીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઇમ્ફાલ પૂર્વ અને બિષ્ણુપુર જિલ્લામાંથી કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (લામાયમ્બા ખુમાન જૂથ) સાથે જોડાયેલા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયના લોકો વચ્ચે 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. મણિપુરના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયનની રેલી બાદ હિંસા ફાટી નીકળી હતી, જે ચાર મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. હજુ પણ રાજ્યમાં સ્થિતિ સંપૂર્ણપણે શાંત થઈ નથી. કેન્દ્ર સરકારે રાજ્યની સ્થિતિને કાબૂમાં લેવા માટે મણિપુરમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરવા પડ્યા હતા. આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

પોલીસે વધુમાં કહ્યું હતું કે, ઓપરેશન દરમિયાન છ હથિયારો, પાંચ કારતૂસ અને બે વિસ્ફોટક પણ મળી આવ્યા છે. સુરક્ષા દળોએ ઘાટીના પાંચ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. મણિપુર પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “રાજ્ય પોલીસે RPF/PLA અને NSCN(IM)ના 1 સક્રિય કેડરની ધરપકડ કરી છે. આ ઉપરાંત KCPના 2 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની પણ ધરપકડ કરવામાં આવી છે.” સંવેદનશીલ વિસ્તારોમાં નેશનલ હાઇવે 37 (ઇમ્ફાલ-સિલચર રોડ) પર વાહનોની અવરજવર પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને સંવેદનશીલ માર્ગો પર સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે, વિવિધ પહાડી અને ખીણ જિલ્લાઓમાં કુલ 129 ચેકપોસ્ટ સ્થાપવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2,027 લોકોની અટકાયત કરવામાં આવી છે.