Site icon Revoi.in

ગુજરાતમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી, મંગળવારે પણ 70થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં મંગળવારે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આજે પણ બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં જુનાગઢના માગરોળમાં 6 ઈંચ, કેશોદ અને માળિયામાં 4 ઈંચ, વંથલીમાં ત્રણ ઈંચ, આ ઉપરાંત જુનાગઢ શહેર, કોટડાસાગણી, ગોંડલ, સુરતના બારડોલી નવસારીના ગણદેવી સહિત 70 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સોમવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે હજુ પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી 188 રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટના ત્રણ સ્ટેટ હાઈવે, જામનગરના ચાર, અને પોરબંદરના ચાર સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યા છે. જ્યારે પંચાયત વિભાગ હેઠળ આવતા 162 માર્ગો તેમજ જામનગરનો નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર, પોરબંદર, અમરેલી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તમામ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન પણ ફૂંકાઇ શકે છે. અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમોને સ્ટેન્ડબાયના આદેશ આપવામાં આવ્યા છે. અને જિલ્લા સ્તર પર વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે. સોમવારે દિવસ દરમિયાન રાજ્યમાં મેઘરાજાની જમાવટ રહી હતી. રાજ્યના કુલ 181 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ 90 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં રાજ્યના 15 તાલુકાઓમાં 4 ઇંચથી 20.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકાઓમાં 8 ઇંચથી 20.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 20.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગર કાલાવડમાં 16 ઇંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના વિસાવદરમાં 14.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજકોટ શહેરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટના ધોરાજીમાં 9 ઇંચ વરસાદ ખાબકયો હતો. રાજકોટના કોટડાસાંગાણીમાં 7.75 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે રાજકોટના ગોંડલ અને પડધરીમાં 7-7 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેર જિલ્લામાં પણ 5-5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદને પગલે જામનગર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જિલ્લામાં સૌથી વધુ કાલાવડમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી હતી. અને પાછલા 12 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો  ભારે વરસાદને પગલે ગ્રામ્યના 36 ગામડાઓમાંથી કુલ 150 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. તો એરફોર્સની ટીમોએ 56 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સાથે જ જામનગર શહેરમાં 1500 લોકોનું સ્થળાંતર કરાયું હતું. ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ 26 ડેમમાંથી 17 ડેમ ઓવરફ્લો થયા છે. જામજોધપુરમાં કોઝ વે પરથી પસાર થતા કાર તણાતા દંપતિનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 19 જેટલા પશુઓના પણ મોત થયા હતા . સ્થિતિને જોતા જામનગરમાં, NDRFની 2 ટીમો, SDRFની 1 ટીમ, નેવીની 4 ટીમો, ફાયર વિભાગની 6 ટીમો, કોસ્ટગાર્ડની 1 ટીમ, એરફોર્સની 6 ટીમો તથા અમદાવાદ ફાયર વિભાગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.