ઈરાન સેનાના ફાયરિંગમાં ચાર પાકિસ્તાની નાગરિકોના મૃત્યુ અને બે ઘાયલ
નવી દિલ્હીઃ પાકિસ્તાન બોર્ડર પર ઈરાની સેનાના ગોળીબારમાં 4 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા છે અને 2 ઘાયલ થયા છે. ઈરાન તરફથી આ ફાયરિંગ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક વાહન પર કરવામાં આવ્યું હતું. ઘટના બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે.
બલૂચિસ્તાન પ્રાંતના અર્ધલશ્કરી દળોના એક સૂત્રએ જણાવ્યું હતું કે, રાત્રે તહસીલ મશ્કિલ બાચા રાયમાં બનેલી ઘટના અંગે અધિકારીઓ તેમના ઈરાની સમકક્ષોના સંપર્કમાં છે. જો કે, હજુ સુધી ઈરાની સેના દ્વારા સરહદ પારથી વાહન પર ફાયરિંગનું કારણ સ્પષ્ટ થયું નથી.
ગત જાન્યુઆરીમાં ઈરાને અશાંત બલૂચિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ત્યાં આતંકવાદી અડ્ડાઓ છે. આ પછી, પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ડ્રોન અને રોકેટનો ઉપયોગ કરીને જવાબ આપ્યો. આ હુમલામાં નવ લોકો માર્યા ગયા હતા. જો કે, બંને પક્ષોએ રાજદ્વારી માધ્યમથી સમસ્યાનું સમાધાન કર્યું હતું. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધમાં તણાવ આવ્યો છે. આ ઘટના બાદ સંબંધ વધારે બગડે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.