ભોપાલઃ મધ્યપ્રદેશના મુરેનામાં રાત્રે એક ઘરમાં અચનાક બ્લાસ્ટ થયો હતો. આ દૂર્ઘટનામાં ચાર મહિલાઓના મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે મુરેના જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામને ગંભીર હાલતમાં ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા હતા. શહેરના ટંચ રોડ પર રાઠોડ કોલોનીમાં રહેતા મુનશી રાઠોડના ઘરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે નજીકમાં બનેલા વધુ ચાર મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા. ફટાકડાના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુનશી રાઠોડના મકાનમાં રહેતા ભાડુઆત બ્લાસ્ટનો ભોગ બન્યા હતા. વૈજયંતિ કુશવાહા અને તેની 45 વર્ષીય પરિણીત પુત્રી વિમલા કુશવાહાના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયાં હતા. બ્લાસ્ટને કારણે પાડોશમાં બનેલું રાકેશ રાઠોડનું મકાન પણ ધરાશાયી થયું હતું. તેમની પત્નીઓ વિદ્યા રાઠોડ અને પૂજા રાઠોડનું પણ મૃત્યુ થયું હતું. પ્રશાસન અને SDERF ટીમો ઘટનાસ્થળે જેસીબી મશીનની મદદથી બચાવ કામગીરીમાં લાગેલી હતી. એવી આશંકા છે કે ઘરમાં રાખવામાં આવેલા ફટાકડાના કારણે વિસ્ફોટ થયો હશે. ઘટનાસ્થળે પહોંચેલા એસપી સમીર સૌરભે જણાવ્યું કે તેઓ હજુ તપાસ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન જે હકીકતો સામે આવશે તેના આધારે જ કંઈક કહી શકાય.