Site icon Revoi.in

સમગ્ર દેશમાં ગુજરાતની ચાર વિજ વિતરણ કંપનીઓએ ‘એ પ્લસ’ રેટિંગ હાંસલ કર્યું

Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્યના ઊર્જાવાન ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું છે કે, ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી અને સફળ નેતૃત્‍વ હેઠળ પાવર સેકટર રીફોર્મ્‍સ તેમજ ઊર્જા ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવા માટે લીધેલા દૂરોગામી પગલાંઓને અવિરત આગળ ધપાવીને ગુજરાત શ્રેષ્ઠ વીજ વિતરણ વ્યવસ્થાઓમાં રાષ્ટ્રિય સ્તરે પ્રસ્થાપિત થયું છે. રાજય સરકારની વીજ વિતરણ કંપનીઓએ ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્‍ત કરીને “એ પ્‍લસ” રેટિંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખી છે.

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું હતુ કે, અનેકવિધ નવતર આયામો હાથ ધરીને જનસુખાકારીના લાભો નાગરિકોને સત્વરે પુરા પાડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત વીજ સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. રાજય સરકાર તેમજ ઊર્જા વિભાગના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે રાજયનું ઊર્જા ક્ષેત્ર દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યની વીજ કંપનીઓના કર્મચારીઓની નિષ્ઠા અને ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓએ દર વર્ષે “એ પ્લસ” રેટિંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખેલ છે.

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે કોલસા અને ગેસના પુરવઠા સંબંધે સરજાયેલ વૈશ્વિક પરિસ્થિતિમાં દેશના અન્ય રાજયોમાં વીજળીની તંગી અને વીજ કાપની સ્થિતિ ઊભી થયેલ. ત્યારે ગુજરાતને કોલસાનો પર્યાપ્ત પુરવઠો તેમજ રેલ્વે રેકની ઉપલબ્ધિ પર્યાપ્ત માત્રામાં થવાથી ગુજરાત વીજળીની તંગીની સમસ્યાનો સફળતાપૂર્વક સામનો કરી શક્યું હતું.

મંત્રી કનુભાઈ દેસાઇએ ઉમેર્યું કે, આજ દિન સુધી સમગ્ર દેશની માત્ર રાજય હસ્‍તકની વીજ કંપનીઓજ સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ આ વર્ષથી ખાનગી ક્ષેત્રની વીજ વિતરણ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી હતી અને તેમાં પણ ગુજરાત રાજયની વીજ કંપનીઓએ ભવ્‍ય સફળતા પ્રાપ્‍ત કરીને “એ પ્‍લસ” રેટિંગ જાળવી રાખ્યો છે. રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓએ પ્રથમ દસમાં સ્થાન પ્રાપ્ત કરી દેશભરમાં રાજ્યના ઊર્જા ક્ષેત્રનું ગૌરવ વધાર્યું છે. રાજયનું ઊર્જા ક્ષેત્ર દેશમાં મોખરાનું સ્થાન હંમેશા જાળવી રાખશે તેવો દ્રઢ વિશ્વાસ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ વ્યક્ત કર્યો હતો.

(PHOTO-FILE)