Site icon Revoi.in

રાજુલા તાલુકાના ચાર ગામોને વર્ષો બાદ પણ હજુ એસટી બસની સુવિધા મળી નથી

Social Share

અમરેલીઃ રાજ્યમાં ઘણાબધા અંતરિયાળ ગામો એવા છે કે, તેમને હજુ સુધી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. જેમાં જાહેર પરિવહનની સેવા એવી એસટી બસની સુવિધા ન મળતા લોકોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.ગુજરાત સરકાર ભલે કહે એસટી હમારી હાથ ઉંચો કરો અને એસટી બસમાં બેસો પરંતુ અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ડના 4 ગામો જેવા કે,  સમઢીયાળા,ખેરા,પટવા,ચાંચ બંદર આ ગામોમાં આજ સુધી એસટી બસ આવી નથી અને વિધાર્થીઓ ખાનગી વાહનોમાં મુસાફરી કરી જીવન જોખમે અવરજવર કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મહાનગરોમાં તે વિકાસ દેખાય છે, પણ ગામડાંની હાલત એની એ જ છે. એસટી વિભાગનું સૂત્ર છે એસટી હમારી સલામત સવારી, હાથ ઉંચો કરો અને બસમાં બેસો. પરંતુ અમરેલી જિલ્લામાં વાસ્વિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે. જિલ્લાના રાજુલા પંથકના દરિયાઈ કોસ્ટલ બેલ્ડ વિસ્તારના કેટલાય એવા ગામડાઓ છે, જ્યાં એસટી વિભાગ ની એસટી બસ આવતી નથી. જિલ્લાના છેવાડાના ગામડા જ્યાં અમરેલી જિલ્લાની હદ પુરી થાય છે પરંતુ આ ગ્રામજનો અતિ પરેશાની ભોગવી રહ્યા છે. રાજુલાથી 25 થી 30 કિલોમીટર દૂરના અંતરે આવેલા દરિયા કાંઠાના ગામડા સમઢીયાળા, ખેરા, પટવા, ચાંચબંદર, આ 4 ગામડાના વિદ્યાર્થીઓ આસપાસના ગામડાઓ અને શહેર સુધી અભ્યાસ અર્થે જાય છે પરંતુ ખાનગી વાહનો મારફતે જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. જ્યારે ગામમાં એસટી બસ નહીં આવતી હોવાને કારણે વિધાર્થીઓ આ રીતે મુસાફરી કરી અભ્યાસ કરી રહ્યાં છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજુલાના સમઢિયાળા ગામના સરપંચ દ્વારા અમરેલી અને રાજુલા એસટી વિભાગને રજુઆત કરી હતી પરંતુ કોઈ હકારામતક અભિગમ એસટી વિભાગ દ્વારા દર્શવાયો નથી. જોકે આજે નહીં ભૂતકાળમાં પણ અનેક વખત ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી એસટી વિભાગ દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી જેના કારણે સમઢીયાળા, ખેરા, પટવા, ચાંચ બંદરના લોકો ભારે હેરાન ગતિનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે તાત્કાલિક આ ગામડાઓમાં માત્ર 1 એસટી બસ ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓ અને તાલુકા મથકે  જતા લોકોને મદદરૂપ થઈ શકે તેમ છે. જ્યારે ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ નારાજ થયા છે જેથી એસટી બસ નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ચાંચબંદર ગામની વસ્તી 10 હજાર, તથા ખેરા ગામની વસતી 10 હજાર, અને પટવા ગામની 3500,સમઢીયાળા ગામની વસતી 4000  છે. આટલી વસ્તી ધરાવતા ગામડાઓ હોવા છતાં એસટી વિભાગ દ્વારા અહીં એક પણ રૂટની વાયા બસ પણ શરૂ નહીં હોવાને કારણે ગ્રામજનોમાં રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે.