હેદ્રાબાદ: નવમાં ધોરણમાં ભણતા છોકરાએ ગાડી ચલાવતા કર્યો અકસ્માત, 4 મહિલાને કચડી
તેલંગાણા: હૈદ્રાબાદમાં એક એવી ઘટના બની છે જેને જાણ્યા પછી તમને પણ લાગશે કે બાળકને નાની ઉંમરમાં કોઈ પણ પ્રકારનું વાહન ચલાવવા આપવું જોઈએ નહી. વાત એવી છે કે તેલંગનાનાં કરીમનગરમાં રવિવારની સવારે ફૂટપાથ પર બેઠેલા કેટલાંક મજૂરોને એક કારે ટક્કર મારી દીધી હતી. જેમાં એક યુવતી સહિત ચાર મહિલાઓનું ઘટના સ્થળે મોત થઇ ગયુ છે.
ફુટપાથ પર બેઠેલાં મજૂરોને એક કારે કચડી નાંખ્યાનો કિસ્સો સામે આવ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કાર કથિત રૂપે એક સગીર ચલાવતો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, ઘટના સવારે છ વાગીને 50 મિનિટ પર બની હતી. આ વિસ્તારમાં કાર ચલાવતા સમયે ગાઢ ધુમ્મસને કારણે આંખો ચોળતા સમયે સગીરનું સ્ટીયરિંગ પરથી નિયંત્રણ છટક્યું હતું. અને કાર ડિવાઇડરથી અથડાઇ હતી અને ફુટપાથ પર ચડી ગઇ જ્યાં બેઠેલાં લોકોને તેણે અડફેટે લીધા હતાં.
પોલીસનાં એક અધિકારીનાં જણાવ્યાં અનુસાર, ઘટનામાં ત્રણ મહિલા અને એક 14 વર્ષિય યુવતીનું નિધન થઇ ગયુ છે. તેમણે જણાવ્યું કે, ત્રણનું ઘટના સ્થેળ જ મોત થઇ ગયુ હતું જ્યારે એકને હોસ્પિટલ લઇ જવામાં આવી તે સમયે રસ્તામાં તેણે દમ તોડ્યો હતો. આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે નાની ઉંમરે કોઈ બાળક ગાડી કે કાર ચલાવતું હોય છે ત્યારે તેમના માતા પિતા તેમના પર ગર્વ લેતા હોય છે પરંતુ બાળક જોશમાં આવીને ક્યારેક અકસ્માત કરે ત્યારે અફ્સોસ કરવાનો પણ સમય રહેતો નથી.