સુરતઃ જિલ્લામાં નૂતન વર્ષના પ્રથમ દિવસે મંગળવારે મોટી દુર્ઘટના બની હતી. સુરતના પલસાણા- કડોદરા રોડ પર આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ગૂંગળાઈ જતા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ કરાતા કામરેજ ઇ.આર.સી ફાયર અને બારડોલી ફાયર ઘટના સ્થળે પહોંચી ટાંકામાંથી ચારેય મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં 20થી 25 ફૂટ ઊંડી ટાંકીમાં મંગળવારે ચાર જેટલા શ્રમિકો સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન શ્રમિકોને ગુંગળામણ થતાં બેભાન બન્યા હતા. આ બનાવની જાણ કરાતા બારડોલી ફાયર વિભાગ અને કામરેજ ERC ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ ઊંડી ટાંકીમાં ઉતરી શ્રમિકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન ચારેય શ્રમિકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. અને તેમને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. અને તપાસ કરવામાં આવતાં ચારેયના મોત થયા હોવાનું માલૂમ પડ્યું હતું. ચારેય શ્રમિકો પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યુ છે. બનાવને પગલે હાલ સુરત જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના પલસાણા કડોદરા રોડ પર આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં આજરોજ શ્રમિકો ટાંકી સાફ કરવા ઉતર્યા હતા. તે દરમિયાન શ્રમિકોને ગૂંગળામણ થઈ હતી. જેને પગલે બારડોલી અને કામરેજ ERC ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ટાંકીમાં ઉતરી તપાસ કરવામાં આવતા ચાર શ્રમિકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનેલ બનાવને પગલે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીવે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.