અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ડીવાઇન લાઇફ સ્કૂલની પાસે ચાલતા એક નવનિર્મિત બાંધકામ સાઇટ પર માટીની ભેખડ ધસી પડતાં લેબર કોન્ટ્રાક્ટર અને ત્રણ મજૂરો સહિત ચાર લોકો દટાયા હતા. આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને શ્રમિકોને માટી હટાવીને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ત્રણ ICUમાં સારવાર હેઠળ છે. આ મામલે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી અને તપાસ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારોલ વિસ્તારમાં ડીવાઇન લાઇફ સ્કુલ પાસે એક નવ નિર્મિત બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બપોરના 12 વાગ્યાની આસપાસ શ્રમિકો બાંધકામની કામગીરી કરી રહ્યા હતા. જેમાં લેબર કોન્ટ્રાક્ટર દિનેશભાઈ પટેલ બેઝમેન્ટમાં ફર્મા ગોઠવવાના હતા તે બતાવતા હતા અને ખાડાના કિનારે તેઓ ઉભા હતા. દરમિયાનમાં માટીની ભેખડ ધસી પડતાં દિનેશભાઈ તેમજ ત્યાં કામ કરતાં અન્ય મજૂર કિરણભાઈ, નગીનભાઈ પરમાર અને વિનોદભાઈ રાવત માટીની ભેખડમાં દટાયા હતા. આ બનાવને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેઓને બહાર કાઢીને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન વિનોદભાઈ નામના મજૂરનું મોત થયું હતું. જ્યારે હાલમાં અન્ય ત્રણની સારવાર ચાલી રહી છે. સમગ્ર આ મામલે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં અન્ય એક બાંધકામની સાઈટ રથી શ્રમિકની લાશ મળી આવી છે. જેમાં સરદાર પટેલ રિંગ રોડ પર ત્રાગડ અંડર બ્રિજ પાસે આવેલી નવ નિર્મિત બિલ્ડિંગની બાંધકામ સાઇટ પરથી પણ એક મજૂરની લાશ મળી આવતાં સાબરમતી પોલીસે તપાસ કરી રહી છે. નવ નિર્મિત બિલ્ડિંગના સી બ્લોકની લિફ્ટના કોલામાંથી મજૂરની લાશ ત્રણ દિવસ પહેલા પડી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. મૃતક યુવક રાજસ્થાનનો રહેવાસી હતો. અને 5 દિવસ પહેલા પોતે રાજસ્થાન વતનમાં જવાનું કહી નીકળ્યો હતો, મૃતક પરમેશ રાણા અકસ્માતે મૃત્યુ પામ્યો છે કે પછી તેની હત્યા થઈ છે તે માટે પોલીસે લાશને પીએમ માટે મોકલી અને વધુ તપાસ શરૂ કરી છે.