Site icon Revoi.in

ભિલોડાના સિલાદ્રી ગામે બુઢેલી નદીમાં નહાવા પડેલા ચાર યુવાનોના ડૂબી જતા મોત

Social Share

હિંમતનગરઃ ભિલોડા તાલુકાના સિલાદ્રી ગામે આવેલી બુઢેલી નદીમાં ચાર યુવાનો નહાવા પડ્યા હતા અને અચાનક જોતજોતામાં ચારેય યુવકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ગામલોકોને સમગ્ર ઘટનાની જાણ થતાં NDRFની ટીમને જાણ કરવામાં આવી હતી. યુવાનોને બચાવવા માટેના ગ્રામજનોએ પ્રયાસો કર્યા હતા.ચારેય યુવકોના મોત થતા સિલાદ્રી ગામમાં શોકનો માતમ છવાઈ ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ભિલોડા તાલુકાના સિલાદ્રા ગામ નજીકથી પસાર થતી બુઢેલી નદી હાલ બે કાંઠે વહી રહીં છે. ત્યારે ગામના યુવકોએ બુઢેલી નદીમાં નહાવા માટે જવાનું નક્કી કર્યું હતું, તે મુજબ સાંજના સુમારે તમામ ચાર યુવકો બુઢેલી નદીમાં નહાવા પડ્યા હતા. પાણી ઊંડું અને કિનારા પર ચીકણી માટીના કારણે યુવકોના પગ લપસતા ડૂબવા લાગ્યા હતા. તે દરમિયાન યુવકોએ બૂમાબુમ કરતાં આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો તેમજ ઢોર ચરાવતા ગોવાળીયા દોડી આવ્યા હતા.ઘટનાસ્થળે દોડી આવેલા લોકોએ બચાવવાની કોશિશ કરવા છતા પાણી ખૂબ ઊંડું હોવાથી ચારેય યુવકો પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયા હતા. જેથી આસપાસના લોકોએ NDRFને જાણ કરી હતી અને સ્થાનિક તરવૈયાઓએ યુવકોની શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ સ્થાનિક તરવૈયાઓને બે યુવકોના મૃતદેહ મળી આવ્યાં હતાં. જ્યારે અન્ય બે યુવકોની શોધખોળ ચાલતી હતી, તે દરમિયાન NDRFની ટીમ આવી પહોંચતા અન્ય બે યુવકોના પણ મૃતદેહો મળી આવ્યા હતા. આમ ચારેય યુવકોને નદીમાંથી બહાર કાઢી અને 108 દ્વારા ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે ચારેય યુવકોને મૃત જાહેર કર્યા હતા. મોતના સમાચાર સંભળાતાની સાથે સિલાદ્રા ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. સમગ્ર ઘટના બાબતે ભિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પી.એમ.ની તજવીજ હાથ ધરી છે.