Site icon Revoi.in

ગુજરાતમાં સિંચાઈની સુવિધાને લીધે ફળો અને શાકભાજીના વાવેતરમાં ચારગણો વધારો,

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં સારા વરસાદ અને કેનાલોને લીધે ઘણાબધા વિસ્તામાં સિંચાઈની પુરતી સુવિધા મળવાને કારણે બાગાયતી પાકના વાવેતરમાં પણ વધારો થઈ રહ્યો છે. એક જમાનામાં વેરાન ગણાતા કચ્છમાં આજે કેસરી કેરી સહિત વિવિધ બાગાયતી પાકોનું પણ સારૂએવું ઉત્પાદન થઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં બાગાયતી પાકોનું નવું વાવેતર વાર્ષિક સરેરાશ 60 હજાર હેક્ટરે પહોંચ્યુ છે.

આ અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ છેલ્લા 20 વર્ષ દરમિયાન રાજ્યમાં ફળ પાકોના ઉત્પાદનમાં બમણો, શાકભાજીમાં ચાર ગણો અને મસાલા પાકોના ઉત્પાદનોમાં સાડા ત્રણ ગણો વધારો થયો છે. આ ઉપરાંત રાજ્યમાં બાગાયતી પાકોનું નવું વાવેતર વાર્ષિક સરેરાશ 60 હજાર હેક્ટરે પહોચ્યુ છે.  વર્ષ 2001-02માં ફળપાકોનો વાવેતર વિસ્તાર 1.98 લાખ હેક્ટર તથા ઉત્પાદન 26.62 લાખ મે.ટન હતું,  જેની સામે વર્ષ 2022-23માં ફળપાકોનો વાવેતર વિસ્તાર 4.48 લાખ હેક્ટર તથા ઉત્પાદન 82.91 લાખ મે.ટન નોંધાયું છે. વધુમાં, શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર 2.37  લાખ હેક્ટર તથા ઉત્પાદન 32.99 ૯ લાખ મે.ટન હતું, જેની સામે વર્ષ 2022023માં શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર 8.32  લાખ હેક્ટર તથા ઉત્પાદન  167.18  લાખ મે.ટન થયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં  મસાલા પાકનો વાવેતર વિસ્તાર તે સમયે 2.57 લાખ હેક્ટર તથા ઉત્પાદન 2.40  લાખ મે.ટન હતું, જ્યારે વર્ષ  2022-23માં મસાલા પાકોનો વાવેતર વિસ્તાર 6.57 લાખ હેક્ટર તથા ઉત્પાદન  12.01 લાખ મે.ટન સુધી પહોંચ્યો છે.

મંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના મક્કમ આયોજન થકી આજે ભારતના કુલ મસાલા પાકોના ઉત્પાદનમાં ગુજરાતનો 10.96  ટકા ફાળો છે, જ્યારે ફળપાકના ઉત્પાદનમાં 13.01  ટકા અને શાકભાજી પાકોના ઉત્પાદનમાં  12.59  ટકા ફાળો ગુજરાતનો છે.  પપૈયા, ચીકુ, લીંબુ, ભીંડા, અજમો અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં તેમજ પપૈયા, ચીકુ, વરીયાળી, જીરૂ, ભીંડા અને અજમાંના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે, અને દાડમ તથા લીંબુના ઉત્પાદનમાં દ્વિતીય છે. ગુજરાત બટાકા અને વરીયાળીની ઉત્પાદકતામાં પ્રથમ, જ્યારે દાડમની ઉત્પાદકતામાં દેશમાં દ્વિતીય છે.