– પ્રવીણ કે. લહેરી
ઈ.સ.૧૭૮૯ થી ૧૭૯૯ ના દસકામાં થયેલી ફ્રાંસની ક્રાંતિને યુરોપ-અમેરિકામાં લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થાને પ્રોત્સાહન આપ્યું. સાથે સાથે ફ્રેંચ કાંતિના કારણે રાજાશાહી સામંતશાહી અને ધર્મગુરુની જોહુકમીનો અંત આવ્યો. મધ્યયુગના અંધકારમાં‘‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શના નારા સાથે માનવીય મૂલ્યોની સ્થાપના થઈ. માનવ-માનવી બને તે માટેના શ્રી ગણેશ થયા. અમેરિકાના બંધારણ પર તો તેનો પ્રભાવ ખરો જ પણ ભારત સહિત અનેક દેશો પર ફ્રેંચ ક્રાંતિની સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની અસર છે. આ ત્રિવેણી સંગમમાંથી અનેક ચિંતકોએ પ્રેરણાના ૫ીયૂષ પીધા છે તે હકીકત છે.
ફ્રેંચ ક્રાંતિના અભ્યાસુઓ તેની સફળતાનું વર્ણન કરે છે તે સાથે નિષ્ફળતાની યાદી પણ આપે છે. રાજા-રાણી, સામંતો અને નિર્દોષ લોકોના ગીલોટીન નીચે થયેલા શિરચ્છેદ નાદીરશાહની બર્બરતા જેવા જ હતા. એ સમય હતો. જ્યારે તલવાર કરે તે ન્યાયનું ચલણ હતું. ફ્રેંચ ક્રાંતિએ હિંસા થકી જે અરાજકતા સર્જી તેના કારણે ઉક્તિ બની કે ‘‘ક્રાંતિ પોતાના સંતાનોને નાગણ જેમ ખાય જાય છે.’’ આવી નિષ્ફળતા બાદ પણ હજી ક્રાંતિ અને તે પણ હિંસક ક્રાંતિના ગુણગાન ગાવાનાં અનેક અભ્યાસને ઉત્સાહનો અતિરેક થાય છે. વિશ્વમાં લોહીયાળ ક્રાંતિ બાદ સામાન્ય રીતે તાનાશાહી અને લશ્કરી શાસનો આવ્યા છે. ભારત સ્વાતંત્ર્ય સંગ્રામના સુકાનીઓની ટીકા કરવી તે ફેશન બની છે. પણ નેતાઓના ઉદારલક્ષી અભિગમ વિના હિસાબી આઝાદી મળ્યા બાદ લાઠી તેની તેની ભેંસ જેવો માહોલ હોત. ગાંધી-સરદાર-નહેરુને આઝાદીનો યશ આપીએ કે નહીં પણ તેઓએ એક ઉદાત્ત બંધારણ દ્વારા ન્યાય, સમાનતા,સ્વતંત્રતા અને ભાઈચારાના ચાર પાયા પર રચાયેલ આધુનિક સમાજની રચના કરી આપવામાં,લઘુત્તમ લોહી વહાવીને ૫૬૨ રજવાડાઓને એક કરવામાં અને વિભાજનના ભયંકર પરિણામોમાંથી દેશને ઉગારવા માટે નોંધપાત્ર કાર્ય માટે આપણે આપણા પૂર્વજોનું ઋણ ન સ્વીકારીએ તો નગુણા કહેવાશું. હિંસા એ માનવજાતિના ભવિષ્ય સામેનો સૌથી મોટો પડકાર છે. ફરીથી એક વખત હિંસાનો આશ્રય ક્યારે વ્યાજબી છે તે પ્રશ્ન સામે આવ્યો છે.
ફ્રાંસના એક વર્તમાન પત્રે અભિવ્યક્તિની સ્વતંત્રતા સ્થાપવા માટે પયગંબરનું ઠઠ્ઠાચિત્ર છાપ્યું. આ એક મોટી ભૂલ હતી તે સ્વીકારી લઈએ તો પણ તેના પગલે ઈસ્લામ ધર્મના વિશાળ સમુદાયે ચિત્રનો બદલો ‘હત્યા’ એવો અભિગમ અપનાવ્યો તે તેનાથી વધારે ગંભીર ભૂલ છે. મારી ધાર્મિક લાગણી દુભાય છે. તેથી હું ગમે તેટલી હત્યા કરવા હક્કદાર છું તેવા ભ્રમમાં રાચતો સમુદાય ફ્રેંચ ક્રાંતિના આદર્શોથી હજારો માઈલ છેટો છે. તેની મધ્યકાલિન માનસિકતા ઈસ્લામના ફેલાવા સાથે જોડાયેલા રક્તપાતનો ઈતિહાસ ઉજાગર કરે છે. કોણે શું કહ્યું છે કે ક્યા ગ્રંથમાં શું લખ્યું છે તે અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો લગભગ દરેક ધર્મમાં છે. નરસિંહ મહેતાએ કહ્યું તેમ ‘‘ગ્રંથ ગડબડ કરી, વાત ના કરી ખરી, જેહને જે ગમે તે જ પૂજે ’’ ના, અહીં તો મારી આ ધાર્મિક માન્યતા છે. તમે તે સ્વીકારો અન્યથા મોત તમારો ઈંતેજાર કરે છે. તેવો દુરાગ્રહ સદા સર્વથા ત્યજ્ય અને તર્કહીન છે. ધાર્મિક સ્વાતંત્ર્ય મારા માટે છે પણ મારી માન્યતા અન્ય પર ઠોકી બેસાડવી તે તો ધાર્મિક સ્વતંત્રતાનો ઈન્કાર છે. તેટલી સીધી સાદી વાત જે ન સમજે તેના માટે શું કહેવું ? આજે વિશ્વમાં ઈસ્લામ ધર્મના અનુયાયીઓ હિંસક વિરોધમાં પ્રવૃત્ત થયા છે. ફ્રાંસના ઉદારમતવાદીઓની ધીરજ ખૂટી છે. તેઓએ સ્વતંત્રતાનો ઈન્કાર કરનારની સ્વતંત્રતા સમાપ્ત કરવાનું મન બનાવી લીધું છે. સંભવ છે કે યુરોપ -અમેરિકામાં જમણેરી રુઢિચુસ્ત પરિબળો સંગઠિત થઈને સંકુચિત નીતિ અપનાવશે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
આ વિવાદમાં આશ્ચર્યજનક રીતે વર્તમાનપત્રો અને સોશ્યલ મિડીયામાં મુસ્લિમ મહિલાઓએ ખુલ્લી રીતે સહિષ્ણુતા અને અહિંસાનો પક્ષ લીધો છે. સુ.શ્રી ઝાકીયા સોમન લખે છે, ‘‘ ઉગ્રવાદી મુસ્લિમમોના કારણે સરવાળે તો મુસલમાનોને જ મોટું નુકસાન થઈ રહ્યું છે.’’ તેણીનું કહેવું છે ‘‘ ઈસ્લામમાં સુધારો લાવવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે તે વાતનો ઈન્કાર થઈ શકે તેમ નથી.’’ શાંતિ અને સ્વસ્થાપૂર્વક વિચારણા કરતાં મુસ્લિમ વિદ્વાનોનેા અભિપ્રાય છે. ‘‘ મુસ્લિમ સમાજમાં લોકશાહી, ધાર્મિક સ્વાતંત્ર્ય, અનેક બાબતો અંગે મુક્ત ચર્ચાની આવશ્યકતા છે. કમનસીબે મુસ્લિમ સમાજમાં મવાળ વિચારો ધરાવતો વર્ગ અલ્પ છે.’’ મારી માન્યતાનો સ્વીકાર કરો નહીં તો મને તમારી હત્યા કરવાનો હક્ક છે.’’ તેમ વિચારનારાઓ માટે ફ્રાંસના પ્રતિભાવે ખતરાની ઘંટડી વગાડી છે.
છેલ્લા દશકામાં સિરીયા અને અફઘાનિસ્તાન સહિત અનેક દેશોમાં ઈસ્લામિક સ્ટેટ, અલકાયદા જેવા આતંકવાદી સંગઠ્ઠનોએ નિમંત્રેલા યુદ્ધમાં વિસ્થાપિત થયેલા લાખો મુસ્લિમ પરિવારોને સન્માનપૂર્વક સાચવીને આશરો જ નહીં પણ નાગરિકતા આપવાની ઉદારતા દેખાડનાર યુરોપના દેશોમાં ધાર્મિક માનવતાઓના (તેમાંની કેટલી ધર્મગ્રંથ સાથે સુસંગત છે તે અલગ પ્રશ્ન છે.) આધારે હિંસાથી પોતાની માંગણીઓ સ્વીકારવા જે હરકતો થઈ રહી છે તેમાં ફ્રાંસનો ઘટનાક્રમ લાલબત્તી ધરે છે. જેમનું ઋણ સ્વીકારીને આભારવશ થવાના બદલે હિંસા અને અરાજકતાના પર્યાય બનવાની ચેષ્ટાઓ વખોડવા લાયક છે.
ફ્રાંસ માટે પોતાના બે સદીથી ચાલી આવતા ધાર્મિક સ્વાતંત્ર્યના અને મુક્ત અભિવ્યક્તિના આદર્શોને અલવિદા કહેવું કે તે આદર્શોને છડેચોક ઠોકર મારતા સમુદાયને અળગો કરવો તે પ્રશ્ન છે. ફ્રાંસમાંથી જો આ પ્રક્રીયા ઝૂંબેશનું સ્વરુપ લેશે તો સમગ્ર યુરોપ અમેરિકામાં તેની સુનામી ફરી વળશે. આના પગલે મોટી ઉથલપાથલ થશે, રક્તરંજિત ઘટનાઓ બનશે. લોકોના સુખ-શાંતિ જોખમાશે. યુરોપ કે અમેરિકા સ્વાતંત્ર્ય, સમાનતાના આદર્શો માટે એક ગાલે તમાચો મારવાથી બીજો ગાલ ધરશે તેવા વહેમમાં રહેવું અતિ જોખમી છે.
દુનિયામાં ઈન્ડોનેશિયા, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સંખ્યાની રીતે મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર છે. એશિયામાં ઈસ્લામ સાથે હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી વસ્તી પણ છે. ચીન જેવું વિશાળ નાસ્તિક રાજ્ય અને મોટી પ્રજા છે. ગલ્ફના દેશોની ઑઈલની સમૃદ્ધિ વિના સરેરાશ મુસ્લિમ પરિવાર આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ છે. જીવનધોરણ, સુખ, સવલતોમાં વધારો કરવાની જગ્યાએ ધર્મ ખતરામાં છે તેમ માનીને ભાવનાઓ ભડકાવીને મોટા સમૂહને વિકાસથી ક્યાં સુધી વંચિત રાખી શકાશે ? આ પ્રશ્ન સૌએ પોતાની જાતને પૂછવાનો સમય આવી ગયો છે.
ધર્મગુરુઓ, શિક્ષિત આગેવાનો અને સત્તાધીશો જો આજના સમયનો તકાજો નહીં સમજે તો ભવિષ્ય ધુંધળું બનશે. એક જ મુસ્લિમ દેશ તૂર્કીએ ૧૦૦ વર્ષ પહેલાં સંપૂર્ણ આધુનિકરણ અપનાવી કમાલ આતા તુર્કના નેતૃત્વમાં જે ઉદારીકરણ સ્થાપ્યું તેને આજે તુર્કીના પ્રમુખ તૈયપ આર્દગોન પૂરી તાકાતથી અનાદર કરી રહ્યા છે. તે તુર્કીના સામ્રાજ્યના વડા અને ખલિફા બનવા માટે ભાતભાતના પેંતરા કરવા લાગ્યા છે. પાકિસ્તાન તેના સૂરમાં સૂર પૂરાવે ત્યારે જે બેસૂરો સંદેશ જાય છે તે ચિંતાજનક છે. સામ્યવાદી ચીને ઈસ્લામના અનુયાયીની પજવણી શરુ કરી છે. ચીન જેટલા અન્ય દેશો ક્રૂર ન થાય તો પણ જે તે જગ્યાએ મુસ્લિમો લઘુમતિમાં છે ત્યાં ઉદારતાની જગ્યા ઉપેક્ષા લેશે. ભેદભાવ અને બીબાઢાળ છાપ સાથે ૧૪૦૦ વર્ષ બાદ ઈસ્લામ કબૂલ કરેલા લોકો માટે કદી ન સર્જાયો હોય તેવો પડકાર આકાર લઈ રહ્યો છે.
આપણે આશા રાખીએ કે માણસાઈની અને સર્વના સુખની ભાવના સાથે ઈશ્વરે આપેલ અપાર સુવિધાઓ ભોગવી સૌને પોતાના જીવનને સાર્થક કરવાનો અવસર મળે. ક્ષુલ્લક બાબતોને છોડીને, મન મોટું રાખીને ફ્રેન્ચ-ક્રાંતિ અને ઈસ્લામની જે સમાન ભાવના ‘ભાઈચારા’ની છે તે સર્વત્ર પ્રસરે. સદ્ભાવ, સહયોગ અને સહિષ્ણુના સુખની પૂર્વ શરતો છે. આપણે તો મુનિ ચિત્રભાનુનું સ્મરણ કરી કહીએ; ‘‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું તેવી ભાવના નિત્ય રહે.’’