ફ્રાન્સ ઈસ્લામિક આતંકવાદની ક્રુરતાથી પ્રભાવિત થયુઃ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન
નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઈસ્લામિક ઉગ્રવાદ પર ટિપ્પણી કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ફ્રાન્સ ‘ઈસ્લામિક આતંકવાદની બર્બરતાથી પ્રભાવિત‘ થયું છે. શુક્રવારે ઉત્તરી ફ્રાન્સના અરાસમાં સ્થિત ગેમ્બેટ્ટા-કાર્નોટ પબ્લિક સ્કૂલમાં છરાબાજી થઈ હતી, જેમાં એક શિક્ષકનું મૃત્યુ થયું હતું અને બે વિદ્યાર્થીઓના મોત થયા હતા. અહેવાલો અનુસાર, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ફ્રાન્સ ઇસ્લામિક આતંકવાદની બર્બરતાથી પ્રભાવિત છે. લગભગ ત્રણ વર્ષ પહેલા સેમ્યુઅલ પેટીની હત્યા બાદ ફરી એકવાર શાળામાં આતંક ફેલાયો છે. શિક્ષકની કાયરતાપૂર્ણ રીતે હત્યા કરવામાં આવી છે. મેક્રોને શિક્ષક અને બે ઘાયલ વિદ્યાર્થીઓ તેમજ અન્ય શિક્ષક સહિત શાળાના કર્મચારીની પ્રશંસા કરી હતી, જેઓ શંકાસ્પદ હુમલામાં બચી ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સમાં ઘટનાસ્થળે હાજર લોકોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, હુમલાખોર હથિયાર લઈને સ્કૂલમાં પહોંચ્યો હતો. તે ધાર્મિક સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. આ દરમિયાન બે શિક્ષકો, સ્ટાફ અને બે વિદ્યાર્થીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સંઘર્ષમાં એક શિક્ષકનું મોત થયું હતું અને બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. હુમલા બાદ પણ આરોપી સતત ધાર્મિક સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. થોડી જ વારમાં પોલીસે આખી સ્કૂલને ઘેરી લીધી અને આરોપીની ધરપકડ કરી લીધી. આરોપ છે કે, હુમલાખોર કટ્ટરપંથી ઈસ્લામ સાથે સંકળાયેલો હતો. હુમલાખોર શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. આ ઘટનાને પગલે સમગ્ર ફ્રાન્સમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તેમજ કટ્ટરપંથીઓ સામે આકરી કાર્યવાહી કરવાની દેશની જનતા માંગ કરી રહી છે.