ઓલિમ્પિક માટે ભારતની કોઈ પણ દાવેદારીને ફ્રાન્સ સમર્થન આપશે
નવી દિલ્હીઃ ભારતના ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મુખ્ય મહેમાન બન્યાં હતા. દરમિયાન તેમણે ભારતને ખાતરી આપી છે કે, નજીકના ભવિષ્યમાં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં ફ્રાન્સ તેમને સમર્થન આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન તેમના સંબોધનમાં, મેક્રોને જણાવ્યું હતું કે, તેઓ ઓલિમ્પિક રમતોમાં ભારત સાથે વધુ મજબૂત સહયોગ બનાવવા માટે ઉત્સુક છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું હતું કે, ‘અમને ભારત સાથે રમતગમત પર વધુ મજબૂત સહયોગ બનાવવામાં ખુશી થશે. ભવિષ્યમાં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાના તમારા ઈરાદાને અમે ચોક્કસપણે સમર્થન આપીશું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા. 2024 ઓલિમ્પિક ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાવાની છે. તે 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ઓલિમ્પિક સમાપ્ત થયા પછી તરત જ પેરિસમાં 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક ગેમ્સ શરૂ થશે. આ પહેલા 19 જાન્યુઆરીએ ખેલો ઈન્ડિયા ગેમ્સનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સરકાર 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દિશામાં કામ કરી રહી છે. વડા પ્રધાને એથ્લેટ્સને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પ્રદાન કરવા અને તેમના વિકાસ માટે ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટે છેલ્લા 10 વર્ષોમાં તેમની સરકારના પ્રયાસોને પણ રેખાંકિત કર્યા.
2020-21 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભારતે એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. ભારત માટે 2036 માં ઓલિમ્પિકની યજમાની કરવાનો માર્ગ સ્પષ્ટ થઈ રહ્યો છે. હવે મેક્સિકોએ ઓલિમ્પિક 2036ની યજમાનીમાંથી સત્તાવાર રીતે ખસી ગયું છે. મેક્સિકોએ સખત સ્પર્ધાને ટાંકીને હોસ્ટિંગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. દક્ષિણ કોરિયા, ભારત, ઇજિપ્ત અને કતાર સહિત કેટલાક અન્ય દેશો હવે આ રેસમાં છે. કતરે 2022 ફિફા વર્લ્ડ કપનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. દક્ષિણ કોરિયા અને ઇજિપ્તમાં પણ મોટી રમતોનું આયોજન કરવાની ક્ષમતા છે. જોકે, ભારત પ્રથમ વખત આ ગેમ્સની યજમાની કરવાનો દાવો કરી રહ્યું છે. ભારતને પણ આનો ફાયદો થઈ શકે છે.