ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 15મી એપ્રિલથી જંત્રીના ભાવમાં ડબલ વધારો થશે. તેના લીધે હાલ તમામ રજિસ્ટ્રી કચેરીઓમાં દસ્તાવેજ માટેની લાઈનો લાગી રહી છે. કચેરીઓ દ્વારા રોજ 100 જેટલા ટોકન આપવામાં આવી રહ્યા છે. અને તે પ્રમાણે જ દસ્તાવેજ થાય છે. એટલે ઘણીબધી કચેરીઓમાં 15મી એપ્રિલ સુધીના સ્લોટ પુરા થઈ ગયા છે. જંત્રીના ભાવ વધશે એટલે રિયલ એસ્ટેટમાં મંદી આવશે એવું લાગી રહ્યું છે. લોકો મોંઘવારી ઉપરાંત સરકારની સિસ્ટમથી પણ પરેશાન બની રહ્યા છે. ત્યારે સરકારે ફ્રેન્કિંગ સિસ્ટમ પણ કાલે 1લી એપ્રિલથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વિવિધ બેન્કો અને સંસ્થાને ફ્રેન્કિંગ મશીનોમાં 31 માર્ચે છેલ્લું રિચાર્જ કરાવવા જાણ કરી દેવાઈ હતી. મોટા ભાગની કો-ઓપરેટિવ સહિતની બેન્કોમાં હવે ઇ-સ્ટેમ્પિંગને પ્રોત્સાહન માટે રાતોરાત ફ્રેન્કિંગ બંધ કરવાના નિર્ણયથી જિલ્લા અને તાલુકાકક્ષાએ નાગરિકોની મુશ્કેલીમાં વધારો થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિવિધ સહકારી બેન્કો, સંસ્થાઓમાં રજિસ્ટર્ડ દસ્તાવેજ ઉપરાંત ભાડા કરાર, સમજૂતી કરાર, બોન્ડ, એફિડેવિટ, એમઓયુ, અન્ય કરારો સહિતના અનરજિસ્ટર્ડ દસ્તાવેજોની નોંધણી માટે ફ્રેન્કિંગ કરાવવામાં આવે છે. રાજ્યમાં વર્ષે અંદાજે 3 હજાર કરોડથી વધુનું ફ્રેન્કિંગ થાય છે, જે હવે બંધ કરીને ઇ-સ્ટેમ્પિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી નિરીક્ષકની કચેરીએ જુદી જુદી બેન્કોને જાહેર જનતાના ઉપયોગ માટે સંસ્થાઓ-કંપનીઓને પોતાના ઉપયોગ માટે સ્ટેમ્પ ડયૂટી ભરવા માટે ફ્રેન્કિંગ મશીનનો પરવાનો અપાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિવિધ સહકારી બેન્કો, સંસ્થાઓમાં રજિસ્ટર્ડ દસ્તાવેજ ઉપરાંત ભાડા કરાર, સમજૂતી કરાર, બોન્ડ, એફિડેવિટ, એમઓયુ, અન્ય કરારો સહિતના અનરજિસ્ટર્ડ દસ્તાવેજોની નોંધણી માટે ફ્રેન્કિંગ સેવા બંધ કરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. હવે 1 એપ્રિલથી પ્રીપેઇડ બેલેન્સ લોડ નહીં કરી આપવા નિર્ણય કરાયો છે. બેન્કોના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું, ફ્રેન્કિંગ બંધ કરવાના નિર્ણયથી તેનાં મશીનો શોભાના ગાંઠિયા સમાન બની રહેશે. લાખો રૂપિયાનાં મશીનનો અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકાશે નહીં. સરકારે ઈ-ફ્રેન્કિંગ માટે પુરતી વ્યવસ્થા પણ ઊભી ન કરી હોવાનું કહેવાય છે. ક્યા વેન્ડરોને લાયસન્સ અપાયા છે. ઈ-ફ્રેન્કિંગ માટે અરજદારોને ક્યાં જવું તેની કોઈ માહિતી નથી.