- કીચનવેરની જાહેરાતો મુકીને 30 કરોડ પડાવ્યા,
- ઓછુ ભણેલા ચીટરોએ બીટેક અને એમબીએ થયેલાને નોકરી પર રાખ્યા હતા,
- સુરત પોલીસે ગુનાનો પડદાફાશ કર્યો
સુરતઃ ભેજાબાજ ચીટરો અવનવી તરકીબો અપનાવીને લોકોને આબાદરીતે છેતરતા હોય છે. અને લોભ-લાલચમાં આવીને લોકો આસાનીથી છેતરાતા હોય છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. શહેરના સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરોએ ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મુકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હતા. આ રેકેટ સરથાણા પોલીસે પકડી પાડયું છે. પોલીસે 8.35 લાખનો મુદામાલ જપ્ત કરી ત્રણ સૂત્રધારો સહિત 6ને પકડી પાડયા છે. જ્યારે એક સૂત્રધાર પિયુષ વિનુ ખુંટ વોન્ટેડ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના સરથાણા અને વરાછા વિસ્તારમાં ભાડેથી ત્રણ દુકાનો લઈને એમાં લોકોને છેતરવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. ત્રણ શખસોની ત્રિપૂટીએ ફેસબુક અને સોશ્યલ મીડિયામાં બોગસ વેબસાઈટ બનાવીને પાણીના ભાવે એટલે કે નજીવા દરે કીચનવેરની ચીજ-વસ્તુઓના વેચાણની જાહેરાત કરવામાં આવી હતી. આ કૌભાંડનો સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પ્રિયુશ ખુંટ તથા આશીષ હડીયાએ બી.ટે્ક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને 30 હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં 30 કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે. આ ટોળકીનું કામ ફલીપકાર્ડ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોર્ડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુક્તા હતા.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઠગાઈમાં સીમકાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કિટો આશીષ હડીયા ભાવનગર અને જુનાગઢથી લાવતો હતો. આશીષ 5 થી 10 હજારની લોકોને લાલચ આપી બેંકની કિટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સીમકાર્ડ લઈ આવતો હતો. પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ મળ્યા છે. આથી 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોય શકે છે. આરોપીઓમાં આશીષ રાધવ હડીયા (ઉ.વ 29) (સર્જન રો હાઉસ, માકણા, કામરેજ, મૂળ અમરેલી) 2. સંજય કાતરીયા (ઉ.વ 32) (શ્રીદર્શન બંગ્લોઝ, દેવધ, ગોડાદરા, મૂળ ભાવનગર) 3. પાર્થ ધનજી સવાણી (ઉ.વ 29) (માધવ દર્શન રો હાઉસ, મોટા વરાછા, મૂળ ભાવનગર) 4. સાગર વિનુ ખૂંટ (ઉ.વ 30) (શાંગ્રીલા હાઇટ્સ, ઉત્રાણ, મૂળ રહે, અમરેલી) 5. દિલીપ ધીરૂ પાધડાળ (34) (જય અંબે રેસીડન્સી, મોટા વરાછા મૂળ અમરેલી) અને 6. યશ ભીખા સવાણી (ઉ,વ 21) ( હેની હાઇટ્સ, ડભોલી, મૂળ રહે, ભાવનગર)નો સમાવેશ થયા છે.