અમદાવાદઃ રાજ્યમાં ખાનગી કોલેજોના સંચાલકો ફી વધારાની ઘણા સમયથી માગણી કરી રહ્યા છે. ત્યારે પ્રોફેશનલ અભ્યાસક્રમો ચલાવતી 636 ખાનગી કોલેજો ફી નહીં વધારી શકે તેવો FRCએ નિર્ણય કર્યો છે. રાજ્યની ફી નિયમન સમિતિ (ટેક્નિકલ) દ્વારા ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમ.બી.એ, એમ.સી.એ, પ્લાનિંગ સહિતની ખાનગી કોલેજોની ફીનું મોનિટરિંગ કરવામાં આવે છે. પ્રોફેશનલ કોર્સિસ ચલાવતી 636 ખાનગી કોલેજો શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફીનું માળખુ યથાવત રાખવા અંગે સૂચના અપાઈ છે. 171 કોલેજોએ ફી વધારાની માંગણી કરી હતી પણ સમિતિએ માંગ ફગાવી છે. કોઈ વધુ ફી લેતું હોય તો વિદ્યાર્થીઓએ FRCમાં ફરિયાદ કરવા જણાવાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લાંબા સમયથી પ્રવર્તમાન કોવિડ -19ની પરિસ્થિતિ અને તેને આનુસંગિક આર્થિક સંકડામણના કારણે ઘણા વાલીઓ માટે ફી વધારો બોજારૂપ ન બની શકે તેવા માનવતાવાદી દ્રષ્ટિકોણને ધ્યાને લઈ સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ગુજરાત રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમ.બી.એ, એમ.સી.એ, પ્લાનીગ, હોટેલ મેનેજમેન્ટ જેવા પ્રોફેશનલ ટેકનીકલ અભ્યાસક્રમો ચલાવતી કુલ 636 સંસ્થાઓ-કોલેજો છે. એસોસીએશન ઓફ સેલ્ફ ફાઈનાન્સ કોલેજીસના સભ્ય હોય તેવી 304 અને અન્ય 73 (કુલ 377) સંસ્થાઓએ ફ્રી બ્લોક વર્ષ 2020-21 થી 2022-23 માટે યથાવત ફી જાળવી રાખવા અનુમોદન આપ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફી નિર્ધારણ સમિતિ સમક્ષ 171 સંસ્થાઓ એવી છે કે જેમણે વર્ષ 2020-21 થી 2022-23 માટે તેમની ફી દરખાસ્તમાં કોઇપણ પ્રકારનો ફી વધારો માંગ્યો ન હતો જ્યારે 10 સંસ્થાઓએ પોતાની 2019-20ની હયાત ફીમાં ઘટાડો કરવા અરજી કરી હતી. આ બંને દરખાસ્તને સમિતિએ માન્ય કરી છે. આ સિવાય સંસ્થાઓ માટે સમિતિએ સંબંધિત સંસ્થાના ઓડીટેડ એકાઉન્ટ અને સમિતિની વેબસાઈટ ઉ૫૨ ઉપલબ્ધ ‘સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર ( એસઓપી )નો આધાર લઈને ફી નિયત કરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સમિતિ દ્વારા વર્ષ 2020-21 .2021-22 અને 2022-23 માટે જાહેર કરાયેલા ફી માળખાની માહિતી સમિતિની વેબસાઇટ www.frctech.ac.in ૫૨ ઉપલબ્ધ છે . સમિતિએ સંસ્થાઓ માટે જે તે વર્ષની નિયત કરેલ ફી માળખામાં ટ્યુશન ફી, લાયબ્રેરી ફી, લેબોરેટરી ફી, કોમ્પ્યુટર ફી, કોષન મની, જીમખાના ફી, ઇન્ટરનેટ, યુનિવર્સીટી એફીલેશન ફી, સ્પોર્ટ્સ અને રીક્રિયેશન સેલ્ફ અને પર્સનાલીટી ડેવલોપમેન્ટ ફી જેવી અન્ય ફી નો સમાવેશ થાય છે. સમિતિ દ્વારા નિર્ધારિત ફી ઉપરાંત જે – તે યુનિવર્સીટીને ભ૨વા પાત્ર ફી સિવાય અન્ય કોઈપણ ફી કે ડીપોઝીટ સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી વસુલ કરી શકાશે નહી. ઉપરાંત, સમિતિએ જાહેર કરેલું ફી માળખું તે જે સંસ્થાના સબંધિત અભ્યાસક્રમની જે તે વર્ષ માટેની મહત્તમ મર્યાદા છે. તેમ છતાં જો કોઈ સંસ્થા વિધાર્થીઓ પાસેથી નિર્ધારિત કરાયેલા ફી માળખા ઉપરાંત વધારાની ફી કે ડીપોઝીટ લેતી હોય, તો વિધાર્થીએ સમિતિએ નક્કી કરેલી કાર્યપ્રણાલી અનુસરી રજુઆત કરવા જણાવવામાં આવ્યું છે.