Site icon Revoi.in

અમદાવાદ જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમાં JEE અને NEET માટે મફત કોચિંગ અપાશે

Social Share

અમદાવાદઃ જિલ્લાના મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ JEE અને NEETની પરીક્ષાની તૈયારીઓ માટે અસહ્ય ફીને કારણે ખાનગી કોચિંગ ક્લાસમાં ટ્યુશન માટે જઈ શકતા નથી. આવા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સના સહયોગથી આજે ગુરૂ પૂર્ણિમાંના દિનથી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ 11 અને 12ના સાયન્સના વિદ્યાર્થીઓને JEE અને NEETની પરીક્ષા માટે ઓનલાઈન કોચિંગ આપવાનો પ્રારંભ કરાયો છે.

અમદાવાદ જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના સાયન્સના વિદ્યાર્થીઓને જોઈન્ટ એન્ટ્ર્ન્સ એક્ઝામ (JEE) અને નેશનલ એલિઝિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માટે કોચિંગ અપાશે. ટાટા મોટર્સના સહયોગથી આજે ગુરૂપૂર્ણિમાના દિનથી અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ નવી પહેલ કરી છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે કોચિંગ અપાશે. જ્યારે અમદાવાદ શહેર DEO ઓનલાઈન એટલે કે યુટ્યુબ પર સાયન્સના નિષ્ણાત શિક્ષકો દ્વારા દર રવિવારે વિનામૂલ્યે લાઈવ લેક્ચર આપશે.

અમદાવાદ ડીઈઓ કચેરીના સૂત્રોએ જણાવ્યા મુજબ ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે JEE અને NEETની પરીક્ષા ફરજિયાત છે. ધોરણ 11થી જ વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ દ્વારા તૈયારી કરતા હોય છે, પરંતુ ગરીબ અને માધ્યમ વર્ગીય પરિવારના બાળકો આ કોચિંગ મેળવી શકે તેમ નથી. કારણ કે, આ કોચિંગ મેળવવા પણ લાખો રૂપિયા ફી ભરવી પડે છે, ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ  દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે JEE અને NEETનું કોચિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલથી કોચિંગ ક્લાસમાં ના જતા હોય તેવા વિદ્યાર્થીઓ વિના મૂલ્યે JEE અને NEETની પરીક્ષા માટે તૈયારી કરી શકશે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે આ કોચિંગ મેળવી શકશે, જે માટે સ્કૂલમાં ગેરહાજર રહેવાની પણ જરૂર નહીં પડે.આ વિદ્યાર્થીઓ કોચિંગમાં જતાં વિદ્યાર્થીઓની જેમ જ હવે તૈયારી કરી શકશે.

અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા ટાટા મોટર્સ સાથે મળીને આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલમાં ટાટા મોટર્સ દ્વારા અમદાવાદ ગ્રામ્ય DEO હસ્તકની સાયન્સની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોચિંગ આપવામાં આવશે. ધોરણ 11 અને ધોરણ 12 એમ બંને વર્ગના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવશે. ગ્રામ્યમાં અંદાજિત 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ કોચિગનો લાભ લઇ શકશે.