અમદાવાદઃ શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આજથી તા 7મી ઓક્ટોબર સુધી 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામા આવશે. વન્ય પ્રાણી સપ્તાહની ઊજવણી અંતર્ગત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી તા. 7 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત આ એક સપ્તાહ સુધી પ્રાણી સંગ્રહાલયમાં સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે 1લી ઓક્ટોબરને રવિવારથી એક સપ્તાહ સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઊજવણી કરવામાં આવશે તેના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય 1લી ઓક્ટોબરથી તા.7મી ઓક્ટોબર સુધી 12 વર્ષના બાળકોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. શહેરની તમામ શાળાના બાળકો પણ તેનો લાભ લઈ શકશે. દરવર્ષે મ્યુનિ, શાળાના બાળકો પણ પ્રવાસ કાર્યક્રમ યોજીને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા હોય છે. પ્રાણી સંગ્રહાયલમાં દેશ-વિદેશના અનેક પશુ-પંખીઓ બાળકો નિહાળી શકશે. શહેરીજનોને પણ પોતાના બાળકો સાથે સંગ્રહાલયની મુલાકાતનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.
મ્યુનિ.ના સૂત્રોએ ઉમેર્યું હતું કે, કાંકરિયા પ્રણા સંગ્રહાયલમાં મૂલાકાતીઓ અને બાળકોને વન્ય પ્રાણી પ્રત્યે વધુ જ્ઞાન મળી રહે તે હેતુથી ટચ ટેબલ શો તથા ઝૂ વિશેની માહિતી ઉપરાંત ફ્રેન્ડસ ઓફ ઝૂ યોજનાની પણ જાણકારી અપાશે. વન્યજીવો પ્રત્યે લોકોમાં જાગૃતિનો અભાવ છે ત્યારે પ્રાણીસંગ્રાલય દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરીને લોકોમાં જાગૃતિ ફેલાવાશે. કાંકરિયા ઝૂના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા બાળકોને વિવિધ પ્રાણીઓ અને તેની દિનચર્યા વિશે બાળકોને માહિતી આપવામાં આવશે.