અમદાવાદમાં વેક્સિનનો બીજો ડોઝ લેનારાને તેલનું મફત પાઉચ, કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ
અમદાવાદઃ દિવાળીના તહેવારો અને ત્યારબાદ લોકોએ કોરોનાને ભૂલીને વધુ છૂટછાટ લીધી હતી.કેટલાક લોકો ગોવા સહિત હિલ સ્ટેશનમાં ફરવા માટે ગયા હતા. એટલે બેદરકારી હવે ભારે પડી રહી છે. કોરોનાએ ફરી દેખા દીધી છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 134 દિવસના ગાળા પછી કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર દિવસમાં જ 54 કેસ નોંધાયા છે. અગાઉ 4 જુલાઈએ શહેરમાં 19 કેસ નોંધાયા હતા. અર્થાત્ લાંબા સમય પછી ફરી એકવાર કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. મ્યુનિ.ના હેલ્થ ખાતાના અથાગ પ્રયત્નો છતાં અમદાવાદમાં હજુ પણ 9.30 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે. રસીમાં કોઈ બાકી ન રહી જાય તે માટે મ્યુનિ. ઘરે ઘરે જઈને વેક્સિન આપવાની ઝુંબેશ ચલાવે છે. સ્લમ વિસ્તારોમાં વેક્સિનનો બીજો ડોઝ લેનારાને પણ તેલના પાઉચ આપવાનો નિર્ણય કરાયો છે. આ માટે 5 લાખ પાઉચ ખરીદાયા છે.
સૂત્રોના જણાવ્યામુજબ શહેરમાં તાજેતરમાં નોંધાયેલા 15 કેસમાંથી 5 લોકો ગુજરાત બહાર ફરીને આવ્યા હોવાનું તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પરથી જાણવા મળ્યું છે. એક પરિવાર બેંગલુરુ, કેરળ, જમ્મુ-કાશ્મીર અને દુબઇ ફરીને આવ્યો છે. રાજ્ય બહાર ફરીને આવેલા લોકો કોરોનાનો ચેપ લાવ્યા છે. જો કે, લક્ષણો એટલા ગંભીર ન હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. હાલ હોમ આઈસોલેશનમાં સારવાર ચાલે છે. કોરોનાનો ચેપ વધુ ન ફેલાય તે માટે કોન્ટેક્ટ ટ્રેસિંગના ભાગરૂપે સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને શોધીને મ્યુનિ. તેમના પણ ટેસ્ટ કરાવી રહી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા 4 દિવસમાં જ કોરોનાના 54 કેસ આવ્યા છે. જેમાં 13 નવેમ્બરે 10 કેસ, 14 નવેમ્બરે 11 કેસ 15 નવેમ્બરે 15 કેસ અને 16 નવેમ્બરે 18 કેસ નોંધાયા છે. શહેરના વિવિધ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા કોરોના ટેસ્ટિંગ માટેની ટીમ ઉભી કરવામાં આવી છે. મ્યુનિ. કચેરી દાણાપીઠ ખાતે પણ ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરાયો છે. એએમટીએસ- બીઆરટીએસ, મ્યુનિ. કચેરીઓ, બગીચાઓ, કાંકરિયા લેકફ્રન્ટ સહિતની જગ્યા પર કોરોનાના બે ડોઝ લીધા સિવાયના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત રહ્યો છે. જેમાં કેટલાક નાગરિકોને મ્યુનિ. દ્વારા વેક્સિનના બંને ડોઝ સિવાય આવ્યા હોવાના કિસ્સામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પ્રથમ ડોઝમાં ઝડપ લાવવા માટે તેલના પાઉચ આપવામાં આવ્યા ત્યારે નાગરિકો દ્વારા મોટા પ્રમાણમાં વેક્સિન લેવામાં આવી હતી. ત્યારે તે અનુભવને ધ્યાને લઇ ફરીથી તેલના પાઉચ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બીજો ડોઝ લેનારને તેલાના પાઉચ આપવામાં આવશે. મ્યુનિ.એ 5 લાખ પાઉચની ખરીદી પણ કરી છે. ( File-photo)