અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રભારીમંત્રી અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે નિઃશુલ્ક અંબિકા અન્નક્ષેત્રનો બલિકાઓને ભોજન પ્રસાદ પીરસીને શુભારંભ કરાવ્યો હતો. અંબિકા અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન કરતાં મંત્રીએ જણાવ્યું કે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવતા આ દિવસ ખૂબ જ યાદગાર બની રહેશે.
તેમણે કહ્યું કે, યાત્રાધામ અંબાજી અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને મા આંબાના આશીર્વાદ સમગ્ર ભારત પર વરસી રહ્યા છે ત્યારે વિવિધ દાતાઓ દ્વારા આ ભોજનાલયમાં અંબાજી આવતા યાત્રાળુઓને વિના મૂલ્યે ભોજન ઉપલબ્ધ કરવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું કે આ અન્નક્ષેત્રની એ ખાસિયત છે કે અહીં વ્યક્તિ એક થાળી, એક ટંક કે એક દિવસના દાતા થઈને સામાન્ય માણસ પણ પોતાની સેવા આપી શકે છે. જે ખૂબ પ્રસંશનીય બાબત છે.
અંબિકા અન્નક્ષેત્ર ખાતે મંત્રીએ પ્રથમ દિવસના ભોજનના દાતા બની બાલિકાઓ અને બટુકોને પોતાના હસ્તે ભોજન પીરસીને આ સેવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે મંત્રી, કલેકટર અને પોલીસ અધિક્ષકે બાલિકાઓને તથા બટુકોને ભોજન પીરસી એમની સાથે પ્રેમપૂર્વક ભોજન લીધું હતું. આ પ્રસંગ્રે જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા. તેમણે સર્વે માઈભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિર ખાતે મંત્રીએ માઈભક્તો સાથે માતાજીની આરતીમાં સહભાગી થયા હતા.