Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં જામતો વરસાદી માહોલ, કપરાડામાં દોઢ ઈંચ, 11 તાલુકામાં ઝાપટાં,

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમા પગલે ચોમાસાનો માહોલ જામતો જાય છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં 17 તાલુકામાં દોઢ ઈંચથી લઈને ઝાપટાં પડ્યા હતા. જેમાં વલસાડના કપરાડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડના ઉંમરગામ, નર્મદાના નાંદોદ અને તિલકવાડા, તથા વલસાડ. વાપી, પારડી, નવસારીના જલાલપોર, ગણદેવી, સુરતના ઓલપાડ સહિત 11 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. પણ મેઘરાજા હજુ મન મુકીને વરસતા નથી. રાજ્યમાં આ વર્ષે ચાર દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું. 11 જૂને દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ, ચોમાસાના વિધિવત્ આગમનના નવ દિવસ બાદ પણ ચોમાસું હજી પણ દક્ષિણ ગુજરાતમાં જ અટવાયું છે. જ્યારે સૌરાષ્ટમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ વરસાદી માહોલ બરાબર જામતો નથી. આજે ગુરૂવારે સવારે 7 વાગ્યો પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો, તેમજ આજે ગુરૂવારે બપોર સુધીમાં રાજ્યના 11 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

વલસાડમાં બુધવારે ભારે અઢી ઈંચ વરસાદ પડતા  શહેરના MG રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા દુકાનદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વહેલી સવારથી જ પાણી ભરાઇ જતાં દુકાન ખોલવામાં પણ તકલીફ પડી હતી. ઉપરાંત શહેરના છીપવાડ રેલવે અંડરપાસ અને છીપવાડ દાણાબજારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો પડ્યો હતો.

આજે ગુરૂવારે સવારે 7 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં ત્રણ ઇંચ, વલસાડ શહેરમાં અઢી ઇંચ, સુરતના પલસાણામાં  પોણા બે ઇંચ, નવસારીના જલાલપોરમાં પોણા બે ઇંચ, નવસારી શહેરમાં દોઢ ઇંચ, વાપીમાં દોઢ ઇંચ, પારડીમાં દોઢ ઇંચ, ચીખલીમાં એક ઇંચ, ડાંગ-આહવામાં અડધો ઇંચ અને ભરૂચના વાલિયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1થી 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો હતો.