ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર પીએમ મોદીને મળ્યા,દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ વિશે આપી જાણકારી
દિલ્હી : ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોનેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બોને વડાપ્રધાનને પીએમની આગામી ફ્રાન્સની મુલાકાતના સંદર્ભમાં દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ વિશે જાણકારી આપી.
વડાપ્રધાનએ 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડેની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લેવા માટેના આમંત્રણ બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર વ્યક્ત કર્યો.
હિરોશિમામાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતા વડાપ્રધાનએ કહ્યું કે તેઓ પેરિસમાં તેમની વાતચીત ચાલુ રાખવા માટે ઉત્સુક છે જે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે.
ફ્રાન્સમાં આવતા અઠવાડિયે ફ્રાન્સની સૌથી મોટી અને સૌથી જૂની સૈન્ય પરેડ બેસ્ટિલ ડે પરેડ યોજાવાની છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તે જ સમયે, ભારતીય સશસ્ત્ર દળોની 269 સભ્યોની ત્રિ-સેવા ટુકડી પણ ગુરુવારે પેરિસ માટે રવાના થઈ હતી. સેનાએ એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે. નિવેદનમાં જણાવાયું છે કે, આ પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની 269 સભ્યોની ત્રિ-સેવા ટુકડી તેમના ફ્રેન્ચ સમકક્ષોની સાથે કૂચ કરતી જોવા મળશે.
ભારતીય વાયુસેનાની એક મહિલા હેલિકોપ્ટર પાયલટ માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડી પરેડમાં ભારતીય વાયુસેનાની 68 સભ્યોની ટુકડીનું નેતૃત્વ કરશે. MI-17 પાયલોટ રેડ્ડીએ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાની કૂચ ટુકડીનું નેતૃત્વ પણ કર્યું હતું.
ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોનેએ પીએમ મોદી ઉપરાંત NSA ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી.