Site icon Revoi.in

‘ફ્રેન્ડલી ચૂંટણી જંગ’: એ ચૂંટણી જેમાં વી. પી. સિંહની મદદ માટે કાંશીરામ તેમની સામે લડયા હતા ચૂંટણી!

Social Share

બોફોર્સ કટકી કાંડના શોરશરાબા વચ્ચે વિશ્વનાથ પ્રતાપસિંહે રાજીવ ગાંધીનો સાથ છોડયો હતો અને સડકો પર ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ છેડયો હતો. તે સમયે દલિત નેતા કાંશીરામે વી. પી. સિંહને સવાલ કર્યો હતો કે તમારી શું મદદ કરી શકું ?  ત્યારે વી. પી. સિંહે કહ્યુ હતુ કે ચૂંટણીમાં મારું સમર્થન કરી દો. જવાબ હતો, હું આવું તો નહીં કરી શકું. પછી?  પરંતુ આનાથી વધારે મદદ કરી શકું છું?  સવાલ થયો કેવી રીતે?  આ ઘટનાક્રમ બેહદ રોચક છે.

બોફોર્સ કટકી કાંડના મામલે સડકો  પર ઉતરેલા વી. પી. સિંહને લઈને ત્યારે ભારતના ખૂણેખૂણે સૂત્રોચ્ચાર થતો હતો કે રાજા નહીં ફકીર હૈ- ભારત કી તકદીર હૈ.

વી. પી. સિંહની સભાઓ અને બેઠકોમાં ભીડ ઉમટતી હતી. કેન્દ્ર અને રાજ્યોની કોંગ્રેસ સરકારોના દરેક વિરોધથી તેમના સંગઠન જનમોરચાને વધુ શક્તિ મળી રહી હતી. આ અભિયાને વી. પી. સિંહને વિપક્ષી રાજનીતિનો ચહેરો બનાવી દીધા હતા. બોફોર્સ કમિશનનું કલંક ફિલ્મોના સુપરસ્ટાર અને અલ્હાબાદના તત્કાલિન સાંસદ અમિતાભ બચ્ચન અને તેમના પરિવારને પણ લપેટામાં લઈ રહ્યું હતું. લાંબા સમયથી નજીક રહેલા ગાંધી અને બચ્ચન પરિવારમાં અંતર વધી ચુક્યું હતું.

રાજીવ ગાંધીના નહીં ઈચ્છવા છતાં અમિતાભ બચ્ચને લોકસભાની સદસ્યતા પરથી રાજીનામું આપ્યું. તેનાથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ હતી. અલ્હાબાદ લોકસભા બેઠક ખાલી થઈ. લોકસભા ચૂંટણીમાં વર્ષ જેટલો સમય બાકી હતો. માટે વિશ્વનાથ પ્રતાપ સિંહે અલ્હાબાદની 1988ની પેટાચૂંટણીના બહાને રાજીવ ગાંધી અને કોંગ્રેસની સામે મોટો પડકાર ઉભો કર્યો હતો.

બંને તરફ જબરદસ્ત તૈયારી હતી. લગભગ આખું વિપક્ષ વિશ્વનાથ પ્રતાપ સિંહ માટે એકજૂટ હતું. મુકાબલામાં કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના પુત્ર સુનિલ શાસ્ત્રીને ઉતારીને લડાઈને રોમાંચક બનાવી હતી. ઉત્તરપ્રદેશ અને કેન્દ્રની કોંગ્રેસ સરકારોનો તામજામ વી. પી. સિંહને ચિત્ત કરવાની તૈયારીમાં હતો. એપ્રિલની ગરમી અને રાજકીય ગરમાગરમી વચ્ચે વી. પી. સિંહે અલ્હાબાદમાં ડેરો નાખ્યો હતો.

તે દરમિયાન વી. પી. સિંહે વરિષ્ઠ પત્રકાર સંતોષ ભારતીયને બે દિવસ માટે દિલ્હી આવવાની ટેલિફોનિક જાણકારી આપી હતી. ભારતીયે તેમને સવાલ કર્યો કે શું તેઓ તેમની અને કાંશીરામની મુલાકાતની કોશિશ કરે? પણ સ્થાન ગુપ્ત હોય. બીજી તરફ તુરંત હામાં જવાબ સાથે કહેવામાં આવ્યું કે તમારા ઘરથી વધારે ગુપ્ત શું હશે. હું ટ્રેનથી સીધો તમારા ઘરે આવી જઈશ. તમે સોમપાલને સમજાવી દેજો. આ પ્રસંગ તેમન પુસ્તક વી. પી. સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી ઔર મૈં- મમાં ચર્ચા કરતા ભારતીયે લખ્યુ છે કે તેના તુરંત બાદ તેઓ કાંશીરામને મળવા માટે રૈગરપુરા ગયા. તેના બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યે વી. પી. સિંહ સાથે પોતાના ઘરે મુલાકાતની સંમતિ પ્રાપ્ત કરી. પણ શરત હતી કે કોઈને આ મુલાકાતની જાણકારી મળે નહીં.

આના બીજા દિવસે સવાર વી. પી. સિંહ અલ્હાબાદથી દિલ્હી પહોંચ્યા. સોમપાલ તેમને ભારતીયના ઘર મૌસમ વિહાર તરફ લઈ ગયા. તો સંતોષ ભારતીય સાથે કારમાં બેઠેલા કાંશીરામે તેમને સવાલ કર્યો હતો કે મને શા માટે મિલાવી રહ્યા છો? બંને મોટા અને સમજદાર છો. મળવું તો જોઈએ. ભારતીયના ઘરના રૂમમાં વી. પી. સિંહ અને કાંશીરામ નાશ્તા પર મુલાકાત અને વાતચીત કરી રહ્યા હતા. આ સિલસિલો દોઢ કલાક ચાલ્યો હતો. તેમાં કોઈ અન્ય વ્યક્તિ સામેલ ન હતા. બાદમાં સિંહ સોમપાલ સાથે ત્યાંથી રવાના થયા.

કાંશીરામને તેમના ઘરે સંતોષ ભારતીયે પહોંચાડયા હતા. કારમાં લગભગ 45 મિનિટની સફર બાદ કાંશીરામે કહ્યુ કે તમે પુછયું નહીં શું વાત થઈ। તો ભારતીયે કહ્યુ કે તમે બંને મોટા છો, જ્યારે જણાવવા માંગો ત્યારે જણાવી દેજો. સાંભળીને તેમણે સ્મિત કર્યું અને કહ્યુ કે મને મૂકીને વી. પી. સિંહ પાસે જજો અને પુછજો કે શું વાત થઈ.

પાછા ફરતા સંતોષ ભારતીયે વિશ્વનાથ પ્રતાપ સિંહ સાથે મુલાકાત કરી. માર્ગમાં કાંશીરામ સાથેની વાતચીતની જાણકારી આપી હતી. વી. પી. સિંહે કહ્યુ હતુ કે પહેલા તો કાંશીરામે પોતાના સમાજને સંગઠિત કરવા પાછળનો સિદ્ધાંત જણાવ્યો. પછી સૂત્રોની પાછળના વિચારો જણાવ્યા. આખરમાં પછયું કે શું મદદ કરી શકું. તો મેં કહ્યુ ચૂંટણીમાં મારું સમર્થન કરી દો. તેમનો જવાબ હતો કે આવું તો હું નહીં કરી શકું. પરંતુ આનાથી વધારે મદદ કરી શકું છું. તે એ છે કે હું ચૂંટણીમાં ઉભો રહી જાઉં. તેનાથી દલિત વોટ કોંગ્રેસ પાસે નહીં જઈને મને મળી જશે અને તમે જે ચાહો છો, તે પણ થઈ જશે.

વી. પી. સિંહે ખુશી સાથે કહ્યુ કે ત્યારે તો ચૂંટણી સૈદ્ધાંતિક થઈ જશે અને કોંગ્રેસ જરૂર હારશે. કાંશીરામે પુરા જોરશોરથી ચૂંટણી લડી હતી. વી. પી. સિંહ 2,02,996 વોટ પ્રાપ્ત કરીને ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના સુનીલ શાસ્ત્રિને 932,245 અને કાંશીરામને 69,571 વોટ મળ્યા હતા.