Site icon Revoi.in

ગુજરાતમાં 20મી ઓગસ્ટથી કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન, ગામેગામ લોકસંપર્ક કરાશે

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને જનસંપર્ક માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિથી કોંગ્રેસ પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જોડાશે અને મતદારો સાથે સંપર્ક કરશે. જિલ્લા દીઠ અને લોકસભાની બેઠક પ્રમાણે જનસંપર્ક કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી. તે ઉપરાંત નવા સંગઠનને લઈને પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની પદયાત્રા માટે પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે.

આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં આગામી સમયમાં સંગઠનને મજબૂત કરવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં છે. જે પદાધિકારીઓ નિષ્ક્રિય ભૂમિકા છે, તેમની પાસેથી પદ લઈને અન્યને જવાબદારી સોંપાશે. ઉપરાંત પ્રદેશના માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે. હવે આગામી સમયમાં પક્ષના જે હોદ્દેદારો છે તેમની જવાબદારીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. તેમને મળેલી જવાબદારી અને જવાબદેહી પણ નક્કી કરવામાં આવશે. જેથી હવે આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.  આગામી સમયમાં કોંગ્રેસ મતદારોને રિઝવવા માટે જનસંપર્કની શરૂઆત કરશે. આગામી 20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિથી કોંગ્રેસ પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જોડાશે અને મતદારો સાથે સંપર્ક કરશે. જિલ્લા દીઠ અને લોકસભાની બેઠક પ્રમાણે જનસંપર્ક કરવામાં આવશે. એવું પ્રદેશના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.