Site icon Revoi.in

જખૌ નજીકથી પાકિસ્તાની બોટમાંથી રૂ. 280 કરોડનું હેરોઈન ઝડપાયું, અફઘાનિસ્તાન કનેકશન પણ સામે આવ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાતના દરિયામાંથી એટીએસ અને ઈન્ડિયાન કોસ્ટગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટમાંથી રૂ. 280 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના જથ્થા સાથે 9 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યાં હતા. આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા ગોળીબારની ઘટના બની હતી. જેમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો આ જથ્થો કરાંચીના મુસ્તુફા નામના ડ્રગ્સ માફિયાએ મોકલ્યો હોવાનું ખૂલ્યું હતું. પ્રાથમિક તપાસમાં સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું કનેકશન સામે આવ્યું હતું.

રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાનો ઉપયોગ કરીને દેશમાં હેરાફેરી ઘુસતી અટકાવવા માટે ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પાકિસ્તાનની અલ હજ નામની એક બોટને શંકાના આધારે ભારતીય સીમામાંથી ઝડપી લેવામાં આવી હતી. કચ્છના જખૌ નજીકથી પાકિસ્તાની બોટ ઝડપીને અંદર તપાસ કરતા અંદરથી માદક દ્રવ્યોના 56 પેકેટ મળી આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં રૂ. 280 કરોડનું હેરોઈન મળી આવ્યું હતું. તેમજ બોટમાં સવાર નવ પાકિસ્તાનીઓને ઝડપી લીધા હતા.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, આરોપીઓની ઉંડાણપૂર્વકની તપાસ કરીને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવશે. આ હેરોઈન અફઘાન બનાવટનું છે. અફઘાનિસ્તાનમાં ડ્રગ્સની મોટી માત્રામાં ખેતી થઈ છે. જેથી તાલિબાનીઓનું દબાણ વધતા તેને દુનિયાના અલગ-અલગ દેશોમાં વેચવામાં આવી રહ્યું છે. ગુજરાતના દરિયામાં આવી ગેરકાયદે પ્રવૃતિને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ સક્રિય છે અને અગાઉ પણ પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સના રેકેટ ઝડપી લેવામાં આવ્યાં હતા.