અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યો મળી આવવાનો સિલસીલો યથાવત રહ્યો હોય તેમ ગાંધીધામ શહેરમાંથી પોલીસે રૂ. 120 કરોડની કિંમતનો કોકીનનો જથ્થો જપ્ત કર્યો હતો.ગાંધીધામ શહેર નજીક નદી વિસ્તારમાંથી 12 કિલો કોકેઈનના 10 પેકેટ મળી આવ્યાં હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પેકેટોની કિંમત 120 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે.
કચ્છ-પૂર્વ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે, તસ્કરોએ ધરપકડના ડરથી બચવા નદીના કિનારે ડ્રગ્સ છુપાવી દીધું હતું. બાગમારે જણાવ્યું હતું કે, એક ગુપ્ત માહિતીના આધારે, પોલીસે રાત્રે નદીના કાંઠા વિસ્તારની તપાસ કરી અને 10 ડ્રગ પેકેટ્સ કબજે કર્યા હતા, જેમાં કોકેઈન હતા. આ કોકેન કદાચ દાણચોરો દ્વારા છુપાવવામાં આવ્યું હતું. આ કોકીનનો જથ્થો જપ્ત કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ વર્ષે જૂનમાં, એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે આ જ વિસ્તારમાંથી રૂ. 130 કરોડની કિંમતના 13 કોકેઈન પેકેટો જપ્ત કર્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, કચ્છ-પૂર્વ પોલીસે આ જ નદી વિસ્તારમાંથી એક-એક કિલોગ્રામના કોકેઈનના 80 પેકેટ ઝડપ્યા હતા, જેની કુલ શેરી કિંમત રૂ. 800 કરોડ હતી.