રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી તમામ પરીક્ષાઓના ખંડમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરીને લોકો પરીક્ષાર્થીઓને પરીક્ષા આપતા જોઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગ સારો છે, અને અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણરૂપ બની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવા શૈક્ષણિક સત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવામાં આવતી દરેક પરીક્ષા મહાનુભાવોથી માંડી સામાન્યજન પણ ઓનલાઈન વેબસાઈટ પર જોઈ શકે એવી વ્યવસ્થા કરવાની જાહેરાત કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ યુનિવર્સિટીના 56મા સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમમાં કરી હતી. આ રીતની વ્યવસ્થા અમલમાં મુકનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતમાં પ્રથમ બની રહેશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં ગૌ સંવર્ધન અને પ્રાકૃત્તિક ખેતી વિશે સંશોધન કરવા રીસર્ચ સેન્ટર ઉભું કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓના પરીક્ષા ખંડમાં સીસીટીવીથી તમામ ગતિવિધિઓ જોવા મળતા ચોરી-ગેરરીતિ ની ઘટનાઓ નિવારવામાં મદદ મળી રહેશે. વળી પરીક્ષા સમયે સીસીટીવી બંધ હશે તેવી કોલેજોની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાની કટિબધ્ધતા હાલ વ્યક્ત કરાઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક યાત્રાના 55 વર્ષ પૂર્ણ કરી 56મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આયોજીત સ્થાપના દિન કાર્યક્રમમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા હતાં.
રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, શિક્ષિત યુવાનોનું ચિંતન માત્ર સ્વઉત્કર્ષ માટે નહીં, પરંતુ રાષ્ટ્રના કલ્યાણ માટે સર્વગ્રાહી બને તે દિશામાં પ્રયાસો કરવા જરૂરી છે. આપણી ભાષા, વેશભૂષા, સંસ્કૃતિ અને પરંપરાનું આપણને ગૌરવ હોવું જોઇએ. વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, યુવાનો પોતાના જન્મ દિને વૃક્ષારોપણ કરવાનો અને વાવેલા વૃક્ષોની જતન પૂર્વક ઉછેર કરવાનો સંકલ્પ લે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ શુભેચ્છા પાઠવી. વિદ્યાધામમાં જ્ઞાનરૂપી ગંગાની સરવાણીમાં લાખો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બન્યા હોવાનું જણાવી કહ્યું હતું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે હંમેશા તત્પર રહી છે. નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરી શિક્ષણ મંત્રીએ રિસર્ચ બેઝ શિક્ષણથી વિદ્યાર્થીઓ વિશ્વ સામે હરીફાઇ કરી શકશે તેમ આત્મવિશ્વાષ સાથે જણાવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યુનિવર્સિટી સંલગ્ન 238 કોલેજ સાથે યોગ ટ્રેનિંગના એમ.ઓ.યુ. કરતા ચેરમેન શિશુપાલ રાજપૂતે યોગનું મહત્વ સમજાવ્યું હતું.
સ્વાગત પ્રવચન કરતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગીરીશ ભીમાણીએ 23 મેં 1967થી શરૂ થયેલી યુનિવર્સિટીની સફરને વધુને વધુ ઉંચાઇએ લઇ જવાની નેમ દર્શાવી હતી. તેઓએ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલા આધુનિક પગલાંઓની માહિતી આપી હતી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી અને ગૌઅવર્ધન સંબંધી ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રનો પ્રારંભ કરવાની ઘોષણા કરી હતી. (file photo)