અમદાવાદઃ ગુજરાતમાં હવે ચૈત્ર મહિનાથી ઉનાળો વધુ આકરો બનશે, તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, અને અંપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. મે મહિનામાં પણ ગરમી ભૂક્કા કાઢશે, લોકસભાની ચૂંટણીના 7મીમેના મતદાનના દિવસે પણ અસહ્ય ગરમી અનુભવાશે. હાલ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરનું મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. એટલે કે 40 ડિગ્રીએ તાપમાન પહોંચશે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગરમીનો અનુભવ ઓછા પ્રમાણમાં થશે. તેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન યથાવત્ રહેશે. હાલમાં રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે છે. જે આગામી પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે. ત્યારબાદ એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. હાલમાં અરબ સાગર તરફથી આવતા પવનોને કારણે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહે છે. તેને કારણે તાપમાનમાં વધારો થઈ શકતો નથી. અરબ સાગર તરફથી આવતા પવનો અને વાતાવરણના મધ્યમ સ્તર પર વાદળું બંધાતા સૂર્યના સીધા કિરણો જમીન પર પહોંચતા નથી. આ કારણોસર જમીનનું તાપમાન ઝડપથી વધતું નથી. તેને કારણે છેલ્લા બે દિવસથી વહેલી સવારમાં ભર ઉનાળે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમા તાપમાનનો પારો સામાન્યથી એક ડિગ્રી વધુ રહી શકે છે. પરંતુ કેટલાક જિલ્લાઓમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી તાપમાન ઓછું રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં રાજ્યભરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધે તેવી શક્યતા છે. એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શક્યતા સેવાઈ રહી છે. પરંતુ ગત માર્ચ મહિનાની જેમ એપ્રિલ મહિનાના અંતમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠે તેવી શક્યતા છે.