નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો સબ વેરિએન્ટ જે.એન.1ને લઇને આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારીઓ પર જાણકારી મેળવવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે રાજ્યના તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, આપણે સતર્ક રહેવાની જરૂર છે. પણ ગભરાવવાની જરૂર નથી. દર 3 મહિને તમામ હોસ્પિટલ મોકડ્રિલ કરે. આ ઉપરાંત તેમણે રાજ્યોને કેન્દ્ર તરફથી સંપૂર્ણ સહાય માટે આશ્વાસન આપ્યું હતું. ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારી અને શ્વસન સંબંધિત બિમારીમાં વૃદ્ધિ થતા આ બેઠક યોજાઈ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 341 કોરોનાના કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તેના ઉકેલ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. અગાઉ સ્વાસ્થ્યમંત્રી દ્વારા વધુમાં વધુ સંખ્યામાં RTPCR ટેસ્ટ કરીને પોઝિટીવ સેમ્પલને જિનોમ સિક્વેન્સિંગ માટે લેબોરેટરીમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો સહિત અન્ય વ્યવસ્થાઓ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ભારતમાં કોરોનાના કેસ ફરીથી સામે આવી રહ્યાં છે દરમિયાન કોરોનાના નવો વેરિયન જેએન.1નો એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કોરોનાના વધતા જતા કેસ અને શ્વસન સંબંધી બિમારીથી પીડિત લોકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ અને અધિકારીઓ સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો. આરોગ્ય સુવિધાઓ અને સજ્જતા તેમજ ચેપ અટકાવવાનાં પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ મીટિંગમાં ICMR ડિરેક્ટર ડૉ. રાજીવ બહલ, નીતિ આયોગના સભ્ય ડૉ. VK પોલ અને ICMRના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ડૉ. સૌમ્યા સ્વામીનાથને પણ ભાગ લીધો હતો.