અમદાવાદ : ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટાભાગના અકસ્માતોમાં વાહનચાલકોની ટ્રાફિકસેન્સના અભાવને કારણે થતા હોય છે. આથી વિદ્યાર્થીઓને ભણતરમાં ટ્રાફિક નિયમોના પાઠ ભણાવવામાં આવે તો ભવિષ્યમાં ફાયદો થઈ શકે તેમ છે. આથી ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં જ માર્ગ સલામતીના પાઠ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક સત્રથી ધો.6થી12ના અભ્યાસક્રમમાં માર્ગ સલામતીના પાઠ ભણાવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6થી 12માં સામાજીક વિજ્ઞાનના વિષયમાં પૂરક પાઠ તરીકે માર્ગ સલામતીનું ચેપ્ટર સામેલ કરવામાં આવશે. આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જિલ્લા શિક્ષણાધિકારીઓની બેઠક યોજીને પ્રોજેકટને આખરી સ્વરૂપ આપશે. માર્ગ સુરક્ષાના અભ્યાસમાં સલામતી સંબંધી બાબતો ઉપરાંત ટ્રાફિક નિશાનીઓ, ટ્રાફિક નિયમો વગેરેનો સમાવેશ કરાશે. ઝીબ્રા ક્રોસીંગનો ઉપયોગ તથા માર્ગ પર યોગ્ય વર્તણુક જેવા મુદાઓ સમાવાશે. સ્કુલે આવવા-જવામાં રાખવાની તકેદારી તથા સ્કુલ બસ જેવા મુદા પણ સામેલ હશે. રાજય સરકાર દ્વારા મુસદો તૈયાર કરવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શાળા સંચાલકો દ્વારા બાળકોના માતા-પિતાને પણ માર્ગ સુરક્ષા સંબંધી જ્ઞાન આપવાનો પ્રયાસ કરાયો છે. બાળવયે જ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું જ્ઞાન અપાય તો મોટા થયા બાદ તેનું અસરકારક પાલન કરે તેવો ઉદેશ છે. ઉચ્ચ શિક્ષણમાં ટ્રાફિક નિયમો, રોડ એન્જીનિયરીંગ, અકસ્માતના સંજોગોમાં ઈમરજન્સી સારવાર જેવી બાબતો અભ્યાસમાં સામેલ કરાશે. ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પરની પેનલ્ટીથી વાકેફ કરાશે. આરટીઓ તથા ટ્રાફિક પોલીસ કચેરીની રૂબરૂ મુલાકાત પણ કરાવાશે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરવાની તાલીમ અપાશે.