નવા શૈક્ષણિક સત્રથી શાળાઓને કાયમી શિક્ષકો નહીં મળે, જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરાશે
અમદાવાદઃ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી સામે તત્કાલિન સમયે ટેટ અને ટાટના ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી હતી. હવે જે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરવામાં આવી છે. તેમની મુદત પૂર્ણ થતાં કરાર ફરીવાર રિન્યું કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષથી શાળાઓને કાયમી શિક્ષકો મળી શકશે નહીં,
નવા શૈક્ષણિક વર્ષ-2024-25માં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓને કાયમી શિક્ષકો મળશે નહીં, કારણ કે, શિક્ષણ વિભાગના સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોનો કરાર રિન્યુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને કરાર આધારીત જ્ઞાન સહાયકથી ભરતી ચાલુ શૈક્ષણિક વર્ષમાં કરવામાં આવી હતી. જોકે નવા શૈક્ષણિક વર્ષ-2024-25માં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી થશે તેવો આશાવાદ ટેટ અને ટાટ પાસ ઉમેદવારોમાં હતો. પરંતું ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની આશા મૃગજળ સમાન બની રહેશે. કારણ કે, ઉનાળું વેકેશન પૂર્ણ થયા બાદ તારીખ 13મી, જૂન-2024થી જ રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા કરાર આધારીત જ્ઞાન સહાયકોનો કરાર આગામી 11 માસ માટે રિન્યુ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. (FILE PHOTO)