લાલ કિલ્લા પરથી હવે આખુ વર્ષ ભારતના વિવિધ પાસાઓ બતાવવામાં આવશે
નવી દિલ્હીઃ દસ દિવસીય લાલ કિલ્લા ઉત્સવ-ભારત ભાગ્ય વિધાતાનો પાંચ દિવસ પૂરા થયાં છે. આ સાંસ્કૃતિક મહાકુંભમાં પ્રોજેક્શન મેપિંગ શો “માતૃભૂમિ”ને પ્રેક્ષકોનો જબરદસ્ત ઉત્સાહ મળી રહ્યો છે. હવે આ શોને કાયમી કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે, જે આખું વર્ષ ચાલુ રહેશે. મ્યુઝિક, લાઈટ અને સાઉન્ડના ઉપયોગ દ્વારા ‘માતૃભૂમિ’ એ ઉચ્ચ સ્તરીય ટેક્નોલોજી સાથે ભવ્ય વિહંગમ દ્રશ્યો સર્જ્યા છે. પ્રોજેક્શન મેપિંગ શો ભારતના જૂના, અનન્ય અને ઉતાર-ચઢાવના ઇતિહાસ દ્વારા દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિનું નિરૂપણ કરે છે, જે દેશવાસીઓમાં ગૌરવ અને દેશભક્તિની ભાવના જગાડે છે.
આઝાદીના અમૃત ઉત્સવ દરમિયાન, ભારત દેશના મહાન સાંસ્કૃતિક મહાકુંભ તરીકે સ્થાપિત થયું છે. સાંસ્કૃતિક અને પર્યટન મંત્રાલયે સ્મારક મિત્ર, દાલમિયા ભારત લિમિટેડના સહયોગથી, ‘માતૃ ભૂમિ’ શો દ્વારા, નવી પેઢીની સામે અરસપરસ સંવાદો સાથે લાલ કિલ્લા પર ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાને પ્રદર્શિત કર્યા છે.
દેશભરની પ્રતિષ્ઠિત હસ્તીઓ આ ઉત્સવની સાક્ષી બની છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની ભવ્ય ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાયો હતો. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ લાલ કિલ્લા ખાતે પ્રોજેક્શન મેપિંગ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. સુંદર કોન્સેપ્ટ, પટકથા સાથે રજૂ કરવામાં આવી હતી. 30-મિનિટનો શો પોતાનામાં એક અદ્ભુત સાંસ્કૃતિક અને દ્રશ્ય અનુભવ છે. પ્રેક્ષકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને લાલ કિલ્લાનો કાયમી કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. આથી 10 દિવસનો ઉત્સવ પૂરો થયા પછી પણ આખું વર્ષ શો ચાલુ રહેશે.