Site icon Revoi.in

ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં 224 તાલુકામાં વરસાદ, નદી-નાળાં છલકાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. આજે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અને ભાવનગરને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને કારણે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. આજે બપોર સુધીમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આજે સોમવારે બપોર સુધીમાં આણંદના બોરસદમાં 8 ઈંચ, મોરવા હડફમાં 7 ઈંચથી વધુ, નડિયાદ, કચ્છના નખત્રાણા, આણંદ, ખંભાત અને તારાપુરમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, આજે બપોર સુધીમાં 224  તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વલસાડ અને નવસારી જિલ્લાની નદીઓ ભયજનક સપાટીને પાર કરી જતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા અને સલામત સ્થળે જવાની ફરજ પડી હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં શ્રાવણી મેળાના પ્રારંભે જ વરસેલા વરસાદે મેળાની રંગત બગાડી હતી. બોરસદમાં ફરીવાર ધોધમાર વરસાદ પડ્યો છે. સોમવારે સવારથી બપોર સુધીમાં 8 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે 26 ઓગસ્ટ સોમવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે તે સિવાયના અન્ય 26 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હાલોલથી શામળાજીને જોડતો આ મુખ્ય સ્ટેટ હાઇવે છે જે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાળા ગામ પાસે બ્લોક થયો છે. હાઇવે ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહનોના પૈડા થંભી ગયા છે. વાહનોની લાંબી લાંબી કતારો લાગી છે. અનેક બસો ટ્રકો સહિત નાની ફોરવીલર ગાડીઓ આ પાણીમાં ફસાઈ છે. પાણીનો પ્રવાહ ખૂબ તેજ છે અને સતત વધી રહ્યો છે. જેના કારણે લોકો જે છે તે અટવાયા છે. વાહન ચાલકો અટવાયા છે અને આગળ જવાનો કોઈ સ્કોપ ના હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ મહીસાગર પોલીસ દ્વારા અહીંયા ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ પાણીનો પ્રવાહ એટલો તે જ છે જેના કારણે વાહનો જે છે તે પસાર થઈ શકતા નથી. ત્યારે ભારે વરસાદના કારણે હાલ મહીસાગર જિલ્લામાં તારાજી જેવો માહોલ સર્જાયો છે.