વડોદરામાં ત્રણ માળના જર્જરિત મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો, બે મહિલાનું રેસ્ક્યુ કરાયું
વડોદરાઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ પડ્યો હતો. થોડા વિરામ બાદ ફરી ગઈકાલથી ધીમીધારે વરસાદ ફરી શરૂ થયો હતો. ત્યારે શહેરના વાડી વિસ્તારમાં બપોરના સમયે ચોખંડી વાયડા પોળમાં અચાનક એક જર્જરિત ત્રણ માળના મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો જેને લઇને અફરાતફરી મચી હતી. આ બનાવની જાણ થતાં ગાજરવાડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મકાનની આગળના ભાગે પડેલા કાટમાળને હટાવી અંદર રહેલા વૃદ્ધા અને એક મહિલાને બહાર કાઢવામાં આવી હતી. બાદમાં સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ચોખંડી વિસ્તારમાં વાયડા પોળમાં આવેલા એક ત્રણ માળના જર્જરિત મકાનનો આગળનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગના જવાનોએ દોડી જઈને કાટમાળમાં ફસાયેલા એક વૃદ્ધા અને એક મહિલાનું રેસ્ક્યુ કર્યું હતુ. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.
વડોદરા શહેરમાં 1,000થી પણ વધુ જર્જરિત ઇમારતોને તંત્ર દ્વારા અવારનવાર માત્ર નોટિસ જ આપવામાં આવે છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે કેટલીક જર્જરિત ઈમારતોમાં હાલમાં લોકો વસવાટ કરી રહ્યા છે. જ્યારે વરસાદ વરસે છે, ત્યારે આવી ઈમારતો અચાનક જ ધરાશાયી થાય છે. ત્યારે કોર્પોરેશનનું તંત્ર આવી જર્જરીત અને ભયજનક ઇમારતોને ઉતારી લેવા માત્ર નોટિસ નહીં પરંતુ કાર્યવાહી કરવામાં આવે તો જાનહાની અટકાવી શકાય છે.
આ અંગે ગાજરાવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી વાયડા પોળમાં મકાનમાં આગળનો ભાગ ધરાશાયી થયો હતો અને પાછળનો ભાગ સલામત છે. આ મકાનની અંદર એક વૃદ્ધા અને એક મહિલા રહેતી હતી. તેઓને અમે બહાર કાઢ્યા છે, અહીંયા નિર્ભયતાની ટીમ પણ આવી છે. કોઈ જાનહાની કે મોટું નુક્સાન થયુ નથી.