Fukrey 3 Vs The Vaccine War Vs Chandramukhi 2,બીજા દિવસે આ ફિલ્મનો બોક્સ ઓફિસ પર ચાલ્યો જાદુ
મુંબઈ: ‘ફુકરે 3’, ‘ધ વેક્સીન વોર’ અને ‘ચંદ્રમુખી 2’ એ બધી જ અલગ જોનરની ફિલ્મો છે, જેમાં ‘ફુકરે 3’ કોમેડી, ‘ધ વેક્સીન વોર’ કોરોના મહામારીની વેક્સિન પર બેસ્ડ અને ‘ચંદ્રમુખી’ 2 એક હોરર-ડ્રામા ફિલ્મ છે. આ ત્રણ શાનદાર ફિલ્મો 28મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.બોક્સ ઓફિસ પર આ ત્રણેય વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મોનું પ્રથમ દિવસનું કલેક્શન કંઈ ખાસ રહ્યું નથી. હવે ‘ફુકરે 3’, ‘ધ વેક્સીન વોર’ અને ‘ચંદ્રમુખી 2’ના બીજા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના પરિણામો આવી ગયા છે, જેના પરથી આપણે જાણીશું કે કઈ ફિલ્મે બીજા દિવસે સારી કમાણી કરી છે.
‘ફુકરે’ ફ્રેન્ચાઇઝીની બે ફિલ્મો હિટ રહી છે, જે બાદ તેનો ત્રીજો ભાગ પણ રિલીઝ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે ‘ફુકરે 3’ એ શરૂઆતના દિવસે 8.82 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ‘ફુકરે 3’ એ બીજા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 7.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, મનજોત સિંહ, રિચા ચઢ્ઢા, વરુણ શર્મા અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે. ‘ફુકરે’નું નિર્દેશન મૃગદીપ સિંહ લાંબા દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ને લોકો તરફથી કોઈ ખાસ રિવ્યુ કે રિસ્પોન્સ નથી મળી રહ્યો. આ ફિલ્મે પહેલા દિવસે 1.30 કરોડની કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે વધારે કમાણી કરી નથી. આ ફિલ્મમાં નાના પાટેકર લીડ રોલમાં છે. આ ફિલ્મ કોરોના સમયગાળા દરમિયાનના સંઘર્ષ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. બીજા દિવસે આ ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજા દિવસે માત્ર 60 લાખ રૂપિયાની કમાણી કરી.
રાઘવ લોરેન્સ અને કંગના રનૌતની સાઉથની હોરર કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી 2’ એ પહેલા દિવસે 7.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં કંગના રનૌતે ચંદ્રમુખીનો રોલ કર્યો છે. અહેવાલ મુજબ, ફિલ્મે બીજા દિવસે 4.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સિવાય ફિલ્મે વધુ કમાણી કરી ન હતી. કંગનાએ પોતે પણ સોશિયલ મીડિયા પર ઘણું પ્રમોશન કર્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સપ્તાહના અંતે ‘ફુકરે 3’, ‘ધ વેક્સીન વોર’ અને ‘ચંદ્રમુખી 2’ના બિઝનેસમાં ઉછાળો આવી શકે છે.