Site icon Revoi.in

ડાકોરમાં ફુલડોલોત્સવમાં માનવ મહેરામણ ઉંમટી પડ્યું, મંગળા આરતીમાં ભાવિકોની લાઈનો લાગી

Social Share

ડાકોરઃ યાત્રાધામ ડાકોરમાં સોમવારે ફાગણી પૂનમના દિવસે જ ફૂલડોલોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. પૂનમ અને ફૂલડોલોત્સવ એક જ દિવસે ઉજવણી કરાતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર “જય રણછોડ માખણ ચોર”ના નાદના ગગનચુંબી જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. મંગળા આરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે 9 વાગ્યે ફૂલડોલોત્સવ મહોત્સવમાં ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજવાસીઓ સાથે ધુળેટી રમ્યા હતા તે જ રીતે અને તે જ ભાવથી રણછોડરાય ભગવાન પોતાના ભક્તો સાથે ધુળેટી રમ્યા હતા.

ડાકોરમાં ફાગણી પુનમના ઠાકોરજીના દર્શનનો લહાવો લેવા માટે તેમજ ફુલડોલોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે, જય રણછોડ માખણ ચોરના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું છે.  ડાકોરમાં ચૌદશથી જ અવિરત પદયાત્રિકોના સંઘો  આવવા લાગ્યા હતા. ભક્તોએ ગોમતીઘાટ સહિત અન્ય જગ્યાએ રાતવાસો કરી વહેલી સવારે 4 વાગ્યે મંગળા દરમિયાન મંદિરનાં દ્વાર ખૂલતાં ભક્તો ઊમટી પડ્યા હતા. હૈયાથી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ ઊમટી પડી હતી. મંગળા આરતીનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સવારે 9 વાગ્યે ફુલડોલોત્સવ યોજાતા ભગવાન ફૂલડોલમાં બિરાજી સોના અને ચાંદીની પિચકારીથી કેસુડાના રંગો ભક્તો ઉપર છાંટી ધુળેટી રમ્યા હતા.

રણછોડરાયજીના મંદિરમાં શણગાર આરતી બાદ બાલ ગોપાલ લાલજી બિરાજમાન થયા હતા, જેના બાદ અબીલ ગુલાલ સહિતના વિવિધ રંગો સાથે સોના અને ચાંદીની પિચકારી ભરીને ભગવાન ભક્તો સાથે ધુળેટી રમ્યા હતા. જે દરમિયાન ભગવાનને ધાણી, ચણા અને ખજૂરનો ભોગ ધરાવવામાં પણ આવ્યો હતો. ડાકોરમાં ફાગણી પૂનમે 300થી વધુ સંઘો આવ્યા હતા. અને નાની મોટી 500થી વધુ ધજાઓ ચઢી હતી.  મંદિરમાં બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 વાગે ઉથાપન આરતી તે બાદ સાંજે 5:15 પછી ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી ગયા હતા.

મંદિરના મેનેજરે જણાવ્યું કે હોળીનો ઉત્સવ વસંત પંચમીથી શરૂઆત થાય છે. એટલે કે વસંત પંચમીથી ધુળેટી સુધી નિત્ય શણગારમાં ખજૂર ધાણીનો ભોગ ભગવાનને લગાવવામાં આવે છે તેમજ ભગવાન નવ રંગે ધુળેટી રમે છે. સવારે કેસર સ્નાન અને ત્યારબાદ ભગવાન ભક્તો સંગ હોળી ખેલે છે સોનાની પિચકારીમાં કેસર જળ ભરી રાજાધિરાજ ધુળેટી ભક્તો સાથે ખેલે છે અને આ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા ઊમટે છે.