લોકસભાની ચૂંટણી 2019 રમઝાનમાં વોટિંગને લઈને ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ, કહ્યું- શુક્રવારે વોટિંગ નથી
રમઝાનમાં લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સોમવારે સ્પષ્ટીકરણ આપ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે શુક્રવારના દિવસે વોટિંગ રાખવામાં આવ્યું નથી.
ચૂંટણી પંચે કહ્યું છે કે રમઝાન વખતે ચૂંટણી રાખવામાં આવી છે, કારણ કે ચૂંટણી આખો મહીના કરવામાં આવે તેવું થઈ શકે તેમ ન હતું. જો કે મુખ્ય તહેવારની તારીખ અને શુક્રવારના દિવસથી વોટિંગને અલગ રાખવામાં આવ્યું છે.
મહત્વપૂર્ણ છે કે ચૂંટણીની તારીખોના એલાન બાદ કેટલાક નેતાઓએ રમઝાનમાં ચૂંટણીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા અમાનાતુલ્લાહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે 12મી મેના રોજ દિલ્હીમાં રમઝાન હશે. તેવામાં મુસ્લિમો ઓછા વોટ આપશે અને ફાયદો ભાજપને થશે. ટીએમસીએ પણ રમઝાનમાં ચૂંટણી મામલે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
બીજી તરફ એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આખા વિવાદને બિનજરૂરી ગણાવ્યો છે. ઓવૈસીએ કહ્યુ છે કે રમઝાનમાં મુસ્લિમો રોજા રાખે છે અને તેઓ બહાર પણ જાય છે તથા સામાન્ય જીવનવ જીવે છે. તેઓ કામકાજ માટે જાય છે, ત્યાં સુધી કે ગરીબથી ગરીબ વ્યક્તિ પણ રોજા રાખે છે. ઓવૈસીએ કહ્યુ છે કે તેમનું માનવું છે કે આ મહીનામાં (રમઝાનમાં) મતદાનની ટકાવારી વધશે, કારણ કે વ્યક્તિ તમામ સાંસારીક ફરજોમાંથી મુક્ત હશે.
રવિવારે ચૂંટણી પંચે સાત તબક્કામાં ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. સાત તબક્કામાં થનારી લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો 11 એપ્રિલે અને આખરી તબક્કો 19મી મેએ આયોજીત થશે. લોકસભાની ચૂંટણીના પરિણામોની ઘોષણા 23 મેના રોજ થશે.