અમદાવાદઃ ફંડ ટ્રાન્સફર માટે રિયલ ટાઈમ ગ્રાસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) બહુ મહત્વપૂર્ણ સુવિધા છે. આગામી તા. 18મી એપ્રિલ 2021 નારોજ આરટીજીએસની સેવાઓ કેટલાક કલાક પ્રભાવિત રહેશે .કેન્દ્રીય બેન્ક આરબીઆઈએ તમામ બેન્કોને સુચના આપી છે કે, તા. 17 અપ્રિલના રોજ કારોબાર બંધ થયા બાદ આરટીજીએસને ટેકનિકલ અપગ્રેડ કરવામાં આવશે. તેથી આરટીજીએસ યુઝર્સ રવિવાર 18મી એપ્રિલ રાતના 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી તેની સેવાઓનો લાભ મળી શકશે નહીં. આ અપગ્રેડેશન આરટીજીએસ સિસ્ટમની ડિઝાસ્ટર રિકવરી ટાઈમને બહેતર બનાવવા અને સેવા વધુ સુદ્રઢ બનાવવા કરવામાં આવી રહ્યુ છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 18મી એપ્રિલના રોજ કેટલાક કલાકો માટે જ આરટીજીએસની સેવાઓ પ્રભાવિત થશે. આ દરમિયાન બેન્કિંગ લેણ-દેણ માટે એનઈએફટી સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. એનઈએફટી સિસ્ટમ 18મી એપ્રિલ રાતના 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે. પહેલા આરટીજીએસ સિસ્ટમ ગ્રાહકો માટે બીજા અને ચોથા શનિવારને છોડીને અઠવાડિયામાં કામકાજના દિવસોમાં સવારે 7વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સેવાઓ ઉપલબ્ધ હતી પરંતુ ડિસેમ્બર 2020થી નિયમોમાં બદલાવ કરાયો હતો. અને આરટીજીએસ સપ્તાહના સાતેય દિવસ 24 કલાક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જ્યારે બીજીબાજુ એનઈએફટી સિસ્ટમ ડિસેમ્બર 2019થી કોઈપણ સમયે ફંડ ટ્રાન્સફર માટે સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
ગ્રાહકો ફંડ ટ્રાન્સફર કરવા માટે આરટીજીએસ અને એનઈએફટી નો ઉપયોગ કરે છે. આ બન્ને સિસ્ટમને આરબીઆઈ મેન્ટેન્સ કરે છે. આરબીઆઈની વેબસાઈડ પર આપેલી જાણકારી મુજબ આરટીજીએસના માધ્યમથી ઓછામાં ઓછા રૂપિયા 2 લાખ અને વધુમાં વધુ રૂપિયા 10 લાખનું ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. જ્યારે એનઈએફટીના માધ્યમથી વધુમાં વધુ 10 લાખનું ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. પણ ઓછુ ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ સીમા નથી.