ભારતને તા. 1 ડિસેમ્બર,2022 થી 30 નવેમ્બર-2023 સુધી G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-20 અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ ‘વસુધૈવ કુટુંબકમ’- સમગ્ર વિશ્વ જ એક પરિવાર છે’ એવી ભાવના મૂર્તિમંત થાય છે. તા.1 ડિસેમ્બર 2022ના રોજ ભારતે ઈન્ડોનેશિયા પાસેથી G-20નું પ્રમુખપદ સંભાળ્યું અને 2023માં દેશમાં પ્રથમ વખત G-20 નેતાઓની સમિટની યજમાની કરી રહ્યું છે. દર વર્ષે સભ્ય દેશો ક્રમશ: અધ્યક્ષપદ સંભાળે છે. ભારત માટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના અવસરે G-20 અધ્યક્ષપદ “અમૃત કાળ”ની શરૂઆત પણ કરે છે, જે 2022માં દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠથી શરૂ થતા ૨૫ વર્ષનો સમયગાળો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત મુજબ ભારતની G-20 અધ્યક્ષતા એકતાની વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. તેથી જ અમારી થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે એમ તેઓ સ્પષ્ટપણે માને છે.
વિશેષત: G-20ના અધ્યક્ષપદે આરૂઢ થવાથી ભારતને કેટલીક ખાસ સત્તાઓ પણ આપોઆપ મળી છે. જેમાં G-20ના સભ્ય ન હોય એવા દેશોને પણ બેઠકોમાં ભાગ લેવા માટે ભારત આમંત્રિત કરી શકે છે. આ એક નાના પગલાથી પણ મિત્રદેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવી શકાય છે. એટલે જ ભારતે યુ.એ.ઈ.(સંયુક્ત આરબ અમીરાત), બાંગ્લાદેશ, ઈજીપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડસ, નાઈજીરિયા, ઓમાન, સિંગાપોર અને સ્પેનને G-20માં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. ભારતના અધ્યક્ષપદે 1 વર્ષ દરમિયાન ૩૨ ક્ષેત્રો અને વિષયો અંતર્ગત 200 બેઠકો યોજાઈ રહી છે. સ્ટાર્ટઅપ 20 એંગેજમેન્ટ ગ્રુપ પ્રથમ વખત ભારતના G-20 પ્રેસિડેન્સી હેઠળ સ્થાપિત કરવામાં આવશે, જે ઝડપથી બદલાતા વૈશ્વિક લેન્ડસ્કેપમાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકાને ઉજાગર કરે છે.
G-20: ગ્રુપ ઓફ ટ્વેન્ટી એ વિશ્વના ૧૯ દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ કરતું આંતર-સરકારી મંચ છે. જે દુનિયાની 60 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ 20 દેશો દુનિયાના ૭૫ ટકા વૈશ્વિક વ્યાપાર અને 85 ટકા જી.ડી.પી. પર પ્રભુત્વ ધરાવે છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા, ક્લાઈમેટ ચેન્જ(આબોહવા પરિવર્તન) અને તેનું નિરાકરણ, ટકાઉ વિકાસ જેવા મુદ્દે સભ્ય દેશો સાથે મળીને એક થઈને કામ કરે છે. આ ગ્રુપના એજન્ડા ચલાવવાનું કાર્ય પૂર્વ, વર્તમાન અને ભાવિ અધ્યક્ષો એમ ત્રણ દેશો સંભાળે છે, આ વર્ષે પૂર્વ અધ્યક્ષ (ઈન્ડોનેશિયા), વર્તમાન અધ્યક્ષ (ભારત) અને ભાવિ અધ્યક્ષ (બ્રાઝિલ) એજન્ડા ચલાવશે. ગ્રૂપ ઓફ ટ્વેન્ટી (G-20) એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે.
G-20ના સભ્યો G-20ના સભ્ય દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કીયે, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. 20 દેશોનો આ સમૂહ વિશ્વના કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના લગભગ 75 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2021માં, જૂથ સંમત થયું કે ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી 1.5°C સુધી મર્યાદિત કરાશે.
G-20ની જરૂરિયાત કેમ ઉભી થઈ? દુનિયાના કોઈ એક દેશમાં સર્જાતી આર્થિક, સામાજિક કે ભૌગોલિક સમસ્યા અન્ય દેશોને પણ અસર કરી શકે છે. દા.ત. વર્ષ 2008માં અમરિકામાં આવેલી આર્થિક મંદીએ વિશ્વના મોટાભાગના દેશોને મંદીની ચપેટમાં લઈ લીધા હતા, ભારતે પણ તેનો અનુભવ કર્યો હતો. એટલે જ વિશ્વના મહત્વના દેશો પરસ્પર સહયોગ સાધીને એક થઈને સમસ્યાઓ સામે લડી શકે એવા ઉદ્દેશ્યથી જૂથ બનાવ્યું. G-20ની સ્થાપના વર્ષ 1999માં એશિયાઈ નાણાકીય કટોકટી પછી વિવિધ દેશોના નાણાપ્રધાનો અને કેન્દ્રીય બેંકના ગવર્નરો માટે વૈશ્વિક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ તરીકે કરવામાં આવી હતી. ૨૦૦૭ની વૈશ્વિક આર્થિક અને નાણાકીય કટોકટીના પગલે, તેને રાજ્ય/સરકારના વડાઓના સ્તરે અપગ્રેડ કરવામાં આવ્યું હતું, અને 2009માં તેને “આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટે મુખ્ય મંચ” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
G-20ના ઉદ્દેશ્યો:
- વૈશ્વિક આર્થિક સ્થિરતા, સતત અને ટકાઉ વિકાસ હાંસલ કરવા તેના સભ્યો વચ્ચે નીતિગત સંકલન
- નાણાકીય નિયમોને પ્રોત્સાહન આપવું જે જોખમ ઘટાડે છે અને ભવિષ્યની નાણાકીય કટોકટી અટકાવે છે
- આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખાનું આધુનિકીકરણ. સામૂહિક કાર્યને પ્રોત્સાહિત કરવા
બહુવિષયક સંશોધન કરવા અને આપત્તિઓનું જોખમ ઘટાડવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવા માટે G-20 દ્વારા ભારતની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર એક નવું વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે. ભારતના G-20 અધ્યક્ષપદની થીમ ‘વસુધૈવ કુટુંબકમ’ ‘એક પૃથ્વી, એક કુટુંબ એક ભવિષ્ય’- થીમનું સૂત્ર મહા ઉપનિષદના પ્રાચીન સંસ્કૃત પાઠમાંથી લેવામાં આવ્યું છે. આ થીમ જીવનના તમામ મૂલ્યોની પુષ્ટિ કરે છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના પૃથ્વી પર અને વિશાળ બ્રહ્માંડમાં મનુષ્યો, પ્રાણીઓ, છોડ, વૃક્ષો અને સૂક્ષ્મ જીવો અને તેમના આંતરસંબંધોનું વર્ણન કરે છે. આ થીમ વ્યક્તિગત અને પર્યાવરણ માટેની જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે.
ભારત-2023:
થીમ લોગો G-20 લોગો ભારતના રાષ્ટ્રધ્વજના વાઈબ્રન્ટ રંગો- કેસરી, સફેદ અને લીલા રંગથી પ્રેરિત છે. તે પૃથ્વી ગ્રહને કમળ સાથે સાંકળે છે. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ પડકારો વચ્ચે વૃદ્ધિનું પ્રતિક છે. G-20 લોગોની નીચે દેવનાગરી લિપિમાં લખાયેલ ‘ભારત’ લખવામાં આવ્યું છે. જે આપણી વૈદિક સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. ભારત એક વર્ષ માટે G-20 એજન્ડા સંચાલન કરશે G-20 પ્રેસિડેન્સી એક વર્ષ માટે G-20 એજન્ડાનું સંચાલન કરે છે, અને વૈશ્વિક સમિટનું આયોજન કરે છે. G-20માં બે સમાંતર ટ્રેકનો સમાવેશ થાય છે: ફાયનાન્સ ટ્રેક અને શેરપા ટ્રેક.
નાણામંત્રી અને સેન્ટ્રલ બેંકના ગવર્નર ફાયનાન્સ ટ્રેકનું નેતૃત્વ કરે છે, જ્યારે શેરપા ટ્રેકનું નેતૃત્વ શેરપા કરે છે. શેરપા ટ્રેકમાં જી-૨૦ પ્રક્રિયાનું સંકલન સભ્ય દેશોના શેરપાઓ દ્વારા કરવામાં આવે છે, જે નેતાઓના અંગત દૂત હોય છે. પહાડી ક્ષેત્રોમાં પ્રવાસીઓઓને ગાઈડ કરવા માટે શેરપા હોય છે, માર્ગદર્શનની આ થીમ પર શેરપા ટ્રેકમાં રોજગારી, ક્લાયમેટ ચેન્જ, કૃષિ અને ખાદ્ય સુરક્ષા, એન્ટી કરપ્શનના માપદંડો, યુ.એન. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, સ્વાસ્થ્ય સુધારા જેવા ડિપ્લોમેટિક ફોરેન પોલિસીની કામગીરી અંગે ચર્ચા અને માર્ગદર્શન કરવામાં આવે છે. શેરપા ટ્રેક 13 વર્કિંગ ગ્રુપો, ૨ ઈનિશીએટીવ્સ- રિસર્ચ ઈનોવેશન ઈનિશિયેટિવ ગેધરિંગ અને G-20 એમ્પાવર અને વિવિધ એન્ગેજમેન્ટ જૂથોના ઈનપુટની દેખરેખ રાખે છે, જે સર્વે પૂરા વર્ષ દરમિયાન મળે છે અને તેમની ઈશ્યૂ નોટ્સ અને આઉટકમ દસ્તાવેજો વિકસાવે છે. નોંધપાત્ર ચર્ચાઓ પછી શેરપા બેઠકો સર્વસંમતિ આધારિત ભલામણો પર પહોંચે છે.
શેરપા-સ્તરની બેઠકોના પરિણામ દસ્તાવેજ આખરે સંબંધિત દેશો, તેમના વડાઓની ઘોષણાનો આધાર બને છે, જેના પર આગામી સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાનાર અંતિમ સમિટમાં તમામ G-20 સભ્ય દેશોના નેતાઓ દ્વારા ચર્ચા અને હસ્તાક્ષર (સર્વસંમતિ પછી) થવાના છે. ફાયનાન્સ ટ્રેકનું નેતૃત્વ સભ્ય દેશોના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરો કરે છે. જેમાં વિશ્વનો આર્થિક વિકાસ, આવકવેરા સહિતના ટેક્ષ એક્સચેન્જ, નાણાકીય સુધારા, ફોસિલ ફ્યુઅલ સબસિડી, ગ્રીન ફાયનાન્સ, એન્ટી ટેરરિસ્ટ ફાયનાન્સ જેવા વિષયો પર ચર્ચા અને નિર્ણયોનું અમલીકરણ થાય છે. સાથોસાથ, આ બે ટ્રેકમાં વિષયલક્ષી કાર્યકારી જૂથો છે, જેમાં સંબંધિત મંત્રાલયોના સભ્યો તેમજ આમંત્રિત/અતિથિ દેશોના પ્રતિનિધિઓ અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લે છે.
આ ઉપરાંત, G-20માં એવા એન્ગેજમેન્ટ જૂથો છે, જે G-20 દેશોના નાગરિક સમાજ, જનપ્રતિનિધિઓ, થિંક ટેન્ક, મહિલાઓ, યુવાનો, શ્રમિક,વેપારી વર્ગ અને વૈજ્ઞાનિકો-સંશોધકોને એક પ્લેટફોર્મ પર લાવે છે. T20-પરિચય થિંક-૨૦ એ G-20 જૂથોમાંનું એક આગવું જૂથ છે, જે 2012માં મેક્સિકન પ્રેસિડેન્સી દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે G-20 માટે એક આઈડિયા બેંક તરીકે કામ કરે છે અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે નીતિઓ ઘડવા માટે ઠોસ ભલામણો કરે છે. ગુજરાતમાં G-20ના 15 કાર્યક્રમો ગુજરાત G-૨૦ની શ્રેણીબદ્ધ વિચાર-વિમર્શ બેઠકોનું આયોજન પણ કરશે. ગુજરાતમાં યોજાનાર 15 કાર્યક્રમો પૈકી ગત જાન્યુઆરી માસમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G-20 ની સૌ પ્રથમ B-20 ઈનસેપ્શન મીટિંગ યોજાઈ હતી.